86 - મુક્તકો – ૮ / મુકુલ ચોકસી


ભીતરથી તો બળતો જ રહું છું હું હમેશાં,
પણ બ્હારથી ખળભળતો નથી કોને ખબર કેમ ?
જ્યારે હું તને યાદ કરું સૌથી વધારે
ત્યારે જ તને મળતો નથી કોને ખબર કેમ.

આજે તો એવું છે કે આ પોતાનો હાથ પણ
કોઈ બીજાના હાથમાં ભૂલી જવાય છે;
કોઈ પાડોશી છોકરીનો પ્રેમ જે રીતે
બદલાતાં ઘરની સાથમાં ભૂલી જવાય છે.

લે સરૂવનને તું સાચવ એવું કીધું હોત તો,
યા ઉતરડી નાખ પાલવ એવું કીધું હોત તો,
તોડી લે મારામાં હો કે ના હો એ સઘળાં કમળ,
યા ઉલેચી નાખ કાદવ એવું કીધું હોત તો.0 comments


Leave comment