89 - એ વર્ષોમાં / મુકુલ ચોક્સી


એ વર્ષોમાં જો હું ટાંકું ઉદાહરણ તારાં,
ચહલપહલ શી મચી ઊઠતી’તી પરીઓમાં,
એ વર્ષો જેમાં મેં તુજથી વિખૂટા થઈ જઈને
તને ફરીથી રચી આમ્રમંજરીઓમાં....

એ વર્ષોએ તને કોલાહલે જગાડી મૂકી,
ને રાજા-રાણીની સઘળી રમત બગાડી મૂકી;
ને શિર ઉઠાવતી મારી શહેનશાહીને
સફેદ રાતોમાં બાંધીને ક્યાંક ઉડાડી મૂકી.

એ વર્ષો જ્યારે મેં આછા સળગતા મહેલોમાં
આ મારી ધ્રૂજારી કાયાને લઈ પ્રવેશ કર્યો,
ને તાલી પાડતી ભીંતોની વચ્ચે બેસીને
આ લુપ્ત થઈ જતી સ્મૃતિઓનો વરવો વેશ કર્યો.

એ વર્ષો જેમાં હતાં ટોળાબંધ સપનાંઓ
ને મોડી રાત સુધી જાગતો એક ડેલો હતો,
ને થોકબંધ સમસ્યાની આવજા વચ્ચે
સમયનો ઝાંપો ઉઘાડો રહી ગયેલો હતો.

એ વર્ષો તૂટતાં તન્દ્રિલ ટેરવાંનાં હતાં,
એ વર્ષો આપણી અફવાઓ ઊડવાનાં હતાં,
એ વર્ષોને એ ખબર નહોતી કે એ વર્ષો પણ
વીતેલા વર્ષની જેમ જ વીતી જવાનાં હતાં.

થિયેટરોમાં અને બસની ધક્કામુક્કીમાં
અજાણ્યા સ્પર્શો ગ્રહી લાવતાં’તાં એ વર્ષો,
જે ઘેર લઈ જઈ જૂના કબાટમાં મૂકી
ને તાળું મારતાં હાંફી જતાં’તાં એ વર્ષો.

એ વર્ષો જ્યારે ટચૂકડી તળાવડીઓમાં
તરાપો નાખી પડી રહેવાનો વિચાર હતો,
તું વાંસ વાંસ વિરહમાં ડૂબી રહી’તી અને
હું પોશ પોશ પ્રતીક્ષાની પેલે પાર હતો.

એ વર્ષોમાં તો રચાઈ નહોતી ભાષા છતાં
હું બૂમ પાડી બધું બોલતો, ખબર છે તને?
સમયની શોધ થઈ તની આગલી સાંજે
મેં ઇન્તજારને શોધ્યો હતો, ખબર છે તને ?

એ વર્ષોમાં જ બધાં આસમાની પંખીઓ
પ્રવાહી થઈ અને છંટાયાં આસમાનોમાં,
ને એના એક બે છાંટાઓ આ તરફ ઊડતા
નદીઓ ભયથી લપાઈ ગઈ મકાનોમાં.

એ વર્ષોમાં જ મને પાછલા પગો ઊગ્યા,
ને મારી લિસ્સી ત્વચા સહેજ ધારદાર થઈ;
ને અડધી ઊંઘમાં મુઠ્ઠીઓ આ ભીડાઈ ગઈ,
ને તરસી તિતલીઓ તૂટી ને તારતાર થઈ.

પછી પહાડની પેલી તરફના ઢાળ ઉપર
અધૂરા ચંદ્રની ફરતે ઉદય થયો તારો,
પછી તો વાદળી વાતાયનોની વચ્ચેથી
હું આવ્યો ત્યાં જ જવાનો સમય થયો તારો.

પછી હું અંધ અરીસાની મધ્યમાં ઊભો,
પછી મેં ગોઠવ્યા પોલાણ ફરતે પહેરાઓ;
ને એક નાના શા ચહેરાને ઢાંકવા માટે
પછી મેં ચીતર્યા ચાલીસ હજાર ચહેરાઓ.

પછી તો ફીણ ઉડાડ્યાં ને સહેજ ફોરાં કર્યાં,
પછી તો અંગ ગઝલમાં ઘસીને ગોરાં કર્યાં;
પછી તો રણની શરમને ઉઘાડે છોગ ત્યજી
તેં ભીના ભેજને કાંઠે જ વાળ કોરા કર્યા.
પછી પુરાણી હવેલીના એક પગથિયા ઉપર
તમારી પગલી પડી ને સમયને ગર્ભ રહ્યો,
હજારો વર્ષ સુધી એનો મેં ઉછેર કર્યો –
છતાં પ્રસવની પળે સૌ રહ્યા ને હું ન રહ્યો.

એ વર્ષોમાં જ જ્વલનશીલ છાવણીઓ બધી
બહુ જ સ્વસ્થ, સમજદાર ને સહનશીલ થઈ,
જે આગ ઘાસની ગંજીમાં લાગવાની હતી,
તે કાગળોમાં પુરાઈ જઈ ને કંડીલ થઈ.

પછી જો સામટાં સ્વર્ગો જમીનદોસ્ત થયાં,
તેં એને સાવ સરકતી ક્ષણોથી સાહી લીધાં;
જે રીતે રંગનો મર્યાદાભંગ કરવાને,
સફેદ હાથોએ કળાં ગુલાબો ચાહી લીધાં.

અને જે વસ્તુ ભીતરમાં સજાવવાની હતી,
શું કામ એની દુકાનો સજાવી બેઠો હું?
ને સઘળો વારસો પૂર્વજનો જાળવી લેવા
શું કામ વારસો ખુદનો ગુમાવી બેઠો હું?

ને તારી દૂરતા ફરતે પછી જો દેરી બને,
તો એ મિલનથી હજારો ગણી રૂપેરી બને;
વેરાન ચર્ચોમાં જે રીતે પાદરીઓ વગર
ઈસુની હાજરી જ્યાદા પ્રબળ ને ઘેરી બને.

ચમકતી આપની કંઈ કેટલીયે તસવીરો
આ મારા આલ્બમમાં એ રીતે વિરામે છે
ઘરેણાં જેમ કો વિધવાના દેહથી ઊતરી
ખૂણાના બંધ કબાટોનો પ્યાર પામે છે.

ગલીમાં વૃદ્ધોનાં અવસાનો એ સમયમાં થયા,
ને ઘરમાં સામટા મહેમાનો એ સમયમાં થયા.
અજાણતામાં કદી સિક્કો નાખી દેવાથી
કોઈ ભિખારી પર અહેસાનો એ સમયમાં થયા.

એ વર્ષોમાં જ પરિસ્થિતિએ વળાંક લીધો,
ને મારું નામ કોઈની પલકમાં સ્થિર થયું;
ને એની પાસે રહ્યું તો એ પીછું થઈને રહ્યું,
ને મારી પાસે જો પાછું ફર્યું તો તીર થયું.

પછી તેં આપ્યા પ્રવાસો ને આપી લાંબી ડગર,
પછી તેં આપ્યા સમન્દર ને આપ્યાં શામો સહર;
પછી તેં આપ્યું બધું પણ તને પડી ન ખબર,
મરી રહ્યો તો હું બે ત્રણ પદાવલિઓ વગર.

પછી મેં એક પછી એક દ્વાર બંધ કર્યા,
ને ફૂંક મારી દીવાઓ બધા બુઝાવી દીધા;
ને દૂર દૂર વિખેરાઈ ગયેલાં સ્વપ્નોને
મીંચાતી પાંપણો દ્વારા નજીક લાવી દીધાં.

પછી હું વસ્ત્ર બદલવાનું ભૂલવા માંડ્યો,
ને યાતનાઓ બદલવાનું શીખવા માંડ્યો;
જો લાગણીઓ ઉતરડાઈ જોતજોતામાં
તો મૌન તૂટે નહીં એમ ચીખવા મંડ્યો.

એ વર્ષો જ મેં મારી હથેળીઓ વચ્ચે
ઘણી હથેળીઓને આવતી જતી જોઈ,
અને ખયાલ રહ્યો નહીં કે તેઓ ખુદ રોઈ
કે આ ભીનાશ લૂંટાવી ગયું બીજું કોઈ.

કશાની બહાર નથી કે કશાની માંહ્ય નથી,
અહીં નથી જ નથી તેમ ત્યાંય, ત્યાંય નથી;
એ વર્ષોમાં જો મેં કોઈ વિશે જરા જાણ્યું,
તો ખાલી એટલું જાણ્યું કે કોઈ ક્યાંય નથી.
પછી તો સંતુલન ખોયું અને અવાજ થયો,
પછી તો ટાંકા મરાયા અને ઇલાજ થયો;
પછી તો ચાલવાનું જ્યારે જ્યારે હો ત્યારે
ફરીથી આ જ બને એવો એક રિવાજ થયો.

એ વર્ષોમાં જ મેં પાડ્યા’તા પોતીકા અક્ષર,
એ વર્ષોમાં જ હું શીખ્યો’તો પહેરતાં બખ્તર;
એ વર્ષોમાં જ વિયેતનામે ખોયું સરનામું,
એ વર્ષોમાં જ યહુદીઓ થઈ ગયા બેઘર.

એ વર્ષોમાં જ બધા શબ્દો ઊતરી બેઠા
સમયની ખૂબ ઊંડી ભીતરી હરોળોમાં,
ને હાથ પેનને ઝાલી અને ભટકતા રહ્યા
મનુષ્ય નામની ચહેરા વગરની પોળોમાં.

ને અંતે બાકી રહી ગયેલી બે’ક વાત કરીશ,
કે હું મહાન રીતોથી જ મુજને મ્હાત કરીશ;
હું વિષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.0 comments


Leave comment