90 - તું ઊડે છે... / મુકુલ ચોકસી


તું ઊડે છે જળમાં ને જહાજમાં પાંખ વગર
સરે છે આદિમ ભોંયરાંઓમાં, ઢંઢોળે છે કોઈ તો
કાચના દ્રાવણના ઢાળ પરથી ઢોળાતી બખોલોમાંથી
મારામાં થઈને છેક પેલે પાર મને મળે છે તું
તું યાદ રાખે છે તારી તરસને
ને મારા થેલામાં પડેલા દોઢ ડઝન ચંદ્રોના ભારને ભૂલી જાય છે તું
અને જુએ છે કે કાચની ભૂખરી અટારીઓનો ભૂકો થઈ ગયો છે
અને હું વૈશાખ, અષાઢ ને ગળી ગયો છું એક સાથે

કેસરી દુપટ્ટાઓમાં ઝબકેળાયા પછી ય ચન્દ્ર જેમ ભાંગી પડે છે
અમાસની આગલી રાત્રે તેમ હું –

ત્યાં જાયફળનાં ખેતરોમાં મદોન્મત્ત ઋતુઓનાં હળ ફરી ગયા પછી
વાવવામાં આવે છે
પ્રેમ, તરબૂચના જાંબુડી વેલા નીચે હીંચતી જુલિયટના હાથો વડે
પછી તો પલાશવનમાંથી આવતી પહેલવહેલી વરસાદી ચીસને ઝીલતા
આપણે આપણી અન્તરાલ ચેતનાઓને અનુસર્યા હતાં...
આટલી દારુણ કોમળતા લઈને પથ્થરના બાંકડા પર સહશયન
એટલે જમીન, આસમાન અને પાણી વચ્ચેના બધા ભેદો
ભુલાઈ જવા થોડીક સેકન્ડ માટે અને ચન્દ્રિલ આભનું
બે-ચાર વેંત નીચે ધસી આવવું અચાનક
ચાલ –
ફૂલ પર બેસતાં પહેલાં જ તિરોધાન થઈ જતું હોય તિતલીઓનું,
એ બાગમાં ચાલ
મારે તને ચારેકોરથી નર્યા બાઝી પડવું છે
એકમેક પર વળ ચડાવેલ દોરડાની જેમ
....પછી આગામી વસ્તુઓનો ઘંટારવ થાય ત્યાં સુધી પડે રહેવું છે સુષુપ્ત
અથવા પપૈયાના રંગથી લીંપેલી દાડમિયા વસન્તો ફરી ફરીને આવે ત્યાં સુધી –
નહિતર ફરી ફરીને આ અમર્યાદ વંશાવલિઓ જેટલું પ્રચંડ ચાહવું કોણ આપશે ?

જુલિયટ, જુલિયટ, જુલિયટ!
અગિયારમી દિશામાં ઊડી ગયેલા રાજહંસોનો ફફડાટ લાવ
કે તું મારા વિસ્મય પર ઊગેલું ઓગણસાઠમું આશ્વર્યચિહ્ન છે
હું રતિભાવ...તું પ્રતિભાવ
હું સ્થિતિભાવ....તું ગતિભાવ
પણ છોડ બધું, તું ફક્ત આવ... બસ આવ આવ ને નર્યું આવ
તવ મસ્તક પર ઝાંખાપાંખા અનુસ્વારની જેમ ઘૂંટાતો મને ચાંદલો બનવા દે
હે યૌનગંધિની ! ગ્રામીણ સન્ધ્યાઓ જેટલું પવિત્ર રક્ત છે આપણું
જે વિલાઈ જવાનું છે થોડી વારમાં
નિર્વિવાદ પવનો ભૂંસી નાખશે તમામ છાંયડા
એના કરતાં ચાલ છુપાઈ જઈએ આવેગમય ગુફાઓમાં
અને જલતરંગની ભંગિમાઓના વજ્રપ્રહારોથી તૂટી જવા દઈએ આપણા મધ્યકાલીન કિલ્લાઓને
...દરેક પર્ણિકાને છેલ્લે પગથિયે એક આકસ્મિક સ્વર્ગ હોય છે
જે ઊઘડી જતું હોય છે આપોઆપ કોઈ અજાણતા બોલાયેલા મિસરાથી
અથવા અનિવાર્ય આલિંગનોની પરમ્પરથી-
આપણે નથી જોઈતી તે સ્થિતપ્રજ્ઞતા જેના છાંયડામાં ઉન્મત્ત ખાખરા, કેસૂડાં
અને ગરમાળા આળોટતાં હોય અને આપણે સ્વસ્થ બનીને ઉભાં હોઈએ સામે-
આપણે તો પુંકેસરના ધોધ નીચે નિર્વસ્ત્ર ઊભાં ઊભાં
પાછલી રાત્રે સ્વપ્નમાં આવતી વસન્તોની જેમ ફાટી પડવું છે
કેમકે સમશીતોષ્ણ કટિબંધમાં સ્થપાયેલા શેવાળના સામ્રાજ્યની તું છે સામ્રાજ્ઞી
તું શંકુદ્રુમ ને સ્ટેપ્સનાં મેદાનોની સૌગાદ ઝૂંટવીને લૂંટાવી દે છે
ને એમ સ્પર્શવલ્લીની વેલીઓ પર વીંટળાયેલા મહાકાય સરિસૃપોની પકડને
વધારે ને વધારે ર્દઢ બનાવતી જાય છે તું
તું શોધે છે કે કોના અશબ્દ ભારથી દૂર દૂર આવેલી આ શય્યાઓ રાત આખી આટઆટલું ચૂવે છે !
ને કોની અનુપસ્થિતિ કાચબાઓમાંથી રેલાતા ભંગુર સંગીતને ડહોળા પાણીથી સાંભળે છે !
તું દૂરતાનો એક છેડો થઈ સલામત છે મારા હાથમાં
જ્યાં સળંગ મધ્યરાત્રિઓના ઓથાર વચ્ચે કોણ કોને ગુમાવી રહ્યું છે
એ અંગે જરા ય સ્પષ્ટતા નથી
અને બીજો છેડો કે જે છે જ નહીં છતાં આંગળી ઝાલ્યા વિના
સૃષ્ટિમાંથી સમષ્ટિ સુધી દોરી જઈ શકે છે
અને છાયાઓમાંથી કોતરી કાઢે છે ખંડકાવ્યોનો જાદુ...
તું સમુદ્રોની ભીતરનું આકાશ છે તારાઓ વગરનું
કાન્યકુબ્જના આર્યપુત્રોએ જુગટાના છેલ્લા દાવમાં પોતપોતાનાં સપનાંઓ હારી ગયા પછી
રજોટાતી રાત્રિઓમાં વીંધ્યું હતું તે મયૂરપંખિણીઓનું બહાવરું ટોળું છે તું
આથી જ તારે સુગંધ નહીં પણ ફૂલ બનવાનું હતું, ફૂલ
તૂટેલું તો તૂટેલું, પણ ફૂલ
કારણ કે આપણી દરેક સ્પૃહાને એક મનગમતો આકાર હોય છે.
આમ વેરાઈ ન જા ચોપાસમાં, મારા બાહુઓ પ્રસ્તાર પામે છે ત્યાં તું આવી
પહોંચ ઓચિંતી
અને નીંગળતી રાહ જો, અને જો કે આટલી બધી સદીઓના પ્રસવ માટે
કેટલી ઓછી ક્ષણો જોઈતી હોય છે!
અને જો કે ચુંબકીય ક્ષેત્રોના ગહન ભાર વચ્ચે પણ કણસલાંઓની જેમ
પવન પર માથું પટકી પટકીને કેવા જીવી શકાય
સમુદ્રોની ગન્ધ અને વમળોના સંસ્કારવાળી ઓ તરુણી!
આટલા બધા ચહેરાઓને તારી સાથે લઈને ન આવ
બીજાના એ ચહેરાઓ તારા ચહેરાને ઢાંકી દે છે
મારાં નિસ્સહાય સત્યોને તારું ઉષ્ણ પડખું આપ –
એ રીતે કે વીર્ય ને આંસુઓ એક સાથે વહી આવે અને બંનેનો રંગ
મારી ચેતના જેટલો જ પારદર્શક હોય, બાકી અહીં બધું જ ખરડાયેલું છે
વિશ્વ આપણા રક્તથી અને આપણે વિશ્વની ધૂળથી
ફરફરાટની પાછળનો ખળભળાટ આપણને આપણાથી પણ પાછળ ધકેલી દે છે....
...ત્યાં, જ્યાં વાવાઝોડાં આવતાં બંધ થાય છે તરત ચોઘડિયાંઓ ત્રાટકવા માંડે છે
તું છિદ્રો વાટે અંદર જાય છે ને બોગદાંઓ વાટે બહાર આવે છે
તારા રુધિરાભિસરણને મારો સંદેશ પહોંચે છે એવો પર્વત છે તું
ચઢાણોથી ભરપૂર છતાં ઢોળાવહીન....
મળસ્કે અર્ધી ઊંઘમાં કૌમાર્યવાન કાળનું વસ્ત્રાહરણ કર્યા બાદ ગોધૂલિટાણે
રણકતી ઝાલરો વચ્ચે એ જ ગાત્રોને ચંદનલેપથી આવરી લેતી તું
આજે હોય છે પર્દાઓ વિનાનો પારદર્શી રંગમંચ તો કાલે અચાનક
લંગરો ને તૂતકો સહિત વહાણો ને કાંઠાઓને તાણી જતો ઝીણી તરાપો હોય છે તું
તું છે મશાલોથી ભભકતું મધ્યરાત્રિ વેળાનું રોમ,
અથવા એથેન્સ છે પરોઢની ભવ્ય વિજયપતાકાઓથી લહેરાતું
અથવા દિનાન્તે ઊંઘરેટાં ઉદ્યાનો અને
માટીની મહેકથી મૂર્છા પામેલા મેઢકોને જગાડવા
ગલગોટાઓને ગલીપચી કરી ખિલખિલાટ ખેરવી નાખતી ડાળી છે તું
માટે જ કહું છે કે મને પ્રેમ કર ! પ્રેમ કર જુલિયટ, પ્રેમ કર !
લોબાનના ધૂપમાંથી પ્રગટી ને પ્રેમ કર
ને સમુદ્રોથી આગળ રેલાઈ જતાં કદમ્બવૃક્ષોમાંથી છટકીને પ્રેમ કર
મને મારા સૈકાઓ જૂના મ્યુઝિકમાંથી ખેંચી કાઢ બહાર
ને તરસ તરસના લોકો વચ્ચેથી ઉશેટી નાખ
જો હું પીગળેલા તાંબાની ધારથી વિશેષ છું
ઢોલ–ત્રાંસા પીટાવું છું મારા જખમને છેલ્લે દરવાજે કે અધૂકડાં વિમાનોમાં બેસીને
દૂર ઊડી જતાં પહેલાં મને વળગી પડ જુલિયટ –
લૂંટી લે લોહીનું લખલૂટ લાવણ્ય ! ભીંસી લે ભયનું ભીષણ ભાન !
આવ જુલિયટ ! ફરીથી આવ–ખેતરો પર તીડનાં તૂટી પડતાં ટોળાની જેમ
આવ ફરીથી, ફરીથી કારતૂસો પર પ્રણયગીતો ચીતરીને ભરવસન્તે શહીદ થશું
ફરીથી તીણી ચીસોને વળગી અંધારા બોગદાંઓમાં ફૂલ વીણવા જશું
આજે રક્તના ભરોસા પર ચાલતાં નાડીતંત્ર પાસે
ઇન્દ્રધનુષ્યો જવાબ માગે છે ઋતુઓના રાજનો
તું કડડડ અડકે કે ચરરર ચૂરો... ભુક્કા ભુક્કા ભાન ભૂલીને થવાં જોઈએ
બાજુબંધમાં બીડી દે શાશ્વતીનો ચીમળાયેલો સંદેશ
ઊંઘ થર થર કંપે છે પાંપણની ધાર પર
ઈશાનથી અગ્નિ સુધી ફેલાઈને પડી છે ઇચ્છાઓ
ને એક વેંત હાથ લઈને જવાનું છે એકલા, જ્યાં ઊભી છે તું
તળાવની લીલથી યે વધુ શાન્ત એવી, આભને ભૂરાશ હોય
એટલી પોતીકી છે રણદ્રીપમાં સરિતાઓના પ્રવેશવેળાનું તું...
રાત્રે અડધા ચન્દ્રથી ઢંકાયેલી ને સવારે સૂર્યકલંકોથી શણગારેલી પૃથ્વી છે તું
કેસરતલાવડીમાં અનાનસ ને અબનૂસનાં હોડકાં તરાવતાં તરાવતાં જ
તને પડી છે કેનવાસની અંદર સંતાઈને ધુમાડાની પીઠ પર ફોરા ચીતરવાની ટેવ
નહિતર સૂની હવેલીના સત્તાવાનમે પગથિયે બેઠી બેઠી આવાં રેતાળ ઉપકરણો વડે
કઈ રીતે દૂર દૂરથી દીવાદાંડીના જખ્મો ધૂએ છે તું !
અને તિલકકામોદનાં તરસ્યાં ટોળાંઓ ને ગુંબજોની ગેબી ગંધગર્તાઓમાં બેસીને
કેશકંડિકાની આડશમાં ઝંખવાઈ જતા આફતાબોને અને સોળે કળાએ નંદવાઈ જતા
વટેમાર્ગુઓના અહેસાસને કઈ રીતે જુએ છે તું ?
તું ભૂરું અબરખ છે અલસના કિનખાબી મહેલો પર છંટાતું
ને મોડી સાંજે ત્રિરંગી આગિયાઓના પાંખ વગરના વિમાનમાં
બેસીને આવતી આંસુથી બનેલી જળપરી છે તું
જ્યાં પવન રંજાડે છે પ્રેમને ને કઠણ બની રહ્યાં છે દીશાઓનાં સ્તનો
ચિરકાળની માયા લઈને બે–ચાર કબૂતરો ઊડી ગયાં છે
ને કુરુક્ષેત્ર પર ભોળાં પશુ મૂંગો પ્રેમ આદરવાની શરૂઆત કરે છે
પવન આણે છે અન્ત બધા સંદેહોનો
ને ભૂરી રજાઈઓની પાછળ એકસામટા સૂર્યસ્તો થવા માંડે છે
ભીષણ પ્રવાહો ઉન્માદના શરૂ થાય છે જૂઈથી મોગરા સુધી અને લંબાય છે
સમુદ્રોના અંત સુધી જ્યાં હું સોયના છેડાની એકાગ્રતાથી તને સ્મરું છું
જુલિયટ ! આ બધો જ વિષાદ તારાં સ્તનના ઢોળાવ પરથી લાવ ઢોળી દઉં હમણાં જ
પણ ક્યાં ? આભને તો વિખેરી નાખ્યું બુલબુલોએ, હવે ઋતુઓ ય પુનરાવર્તિત નહીં થાય
પવનને ભેદીને દિશાઓમાં અંબાર દોડી આવે તો ય નહીં
ને સાચુકલી માટીમાં ઘોળાઈને ભીનાશ દડી આવે તો ય નહીં
તરુણ વયનાં તરાપાઓ કાંઠે પડ્યા પડ્યા હિજરાય કે
ગારમાં રેતીનો હિલ્લોળ જળનો આભંગ લવે તો ય નહીં
તૂટવાની અણીએ આવીને ઉભેલું ભાન કે ઘેઘૂર જાગ્રતમાં તસતસતું વેરાન હવે કશું નહીં
કોઈએ અલગ થઈને પૂર્વ મહાલયોને સળગાવી દિધા તો સારું
ને કોઈએ અરવ ગાત્રોએ ઘેનની ચાબુકથી ઉશેટી નાખ્યાં તો ય સારું
વાયવ્ય ઉઘાડમાં અસીમ પ્રવાસ પાછળ ગણિકાલયોથી સજ્જ સમુદ્રોવાળી સાંજ સાથે
બધું જ ગોળાઈ જવા દે હે ચમ્બેલી નાર ! તાર નૈતમ્બિક છાંયડાના તાપમાં –
મળવાના કાળના બે ટુકડા વિલંબથી સાંધવાનું છોડ
મને તારા બે હાથોની ગાંઠ સિવાય કોઈ સ્થળે બાંધવાનું છોડ
સમડીઓની વાછંટથી રંગાઈ ગયું છે આયુષ્ય, હું એના રાખોડી પડઘાઓ ગાઉં છું
ને સમજતો જાઉં છું કે કેટલું નિર્માલ્ય છે અસ્તિત્વ !
રહ્યું છે એકમાત્ર વસ્ત્ર, આ ફાટેલી ભૂરી ક્ષિતિજનું, તારા ને મારા શરીર પર
જ્યાં રહીને તું ફરફરે છે ડૂબતી નૌકાઓ પરના શઢની જેમ
જ્યાં જુલાઈનાં વાદળોનું દ્રંદ્રયુદ્ધ ચાલતું હોય
તું રચે છે પૃથ્વીનો ત્રીજો ગોળાર્ધ, સમયથી દૂર.... જ્યાં રાત પટકે છે તારાઓના સમૂહને
હું જાગું છું, હું જાગું છું, ભોગવું છું પહાડોની નિતાંત યાતના
હે ઉન્મુક્ત શિખરો, ધનુષ્યોની આબોહવામાં ફંગોળી દો મને
ઊતરડી નાખો ભીનાશ પરનાં આવરણો, ધરતીકંપ ધરતીકંપ
ચેતનાના ચૌદમા સ્તરમાં, કુમળાં તરુઓ પર બુલડોઝર
નદીઓ પુલની ઉપર થઈને વહેવા માંડી છે, છેલ્લી વારના પવનોનું
આક્રમક તોફાન, સપાટીઓ સ્થિર, તળિયાંઓ ખળભળી ઊઠ્યાં છે
ગુલાબજળનો કામળો ઓઢીને સૂતેલા પ્રસ્વેદનાં બૂંદ જાગી ગયાં છે
આછાંપાતળાં વચનોના તંબૂ અવકાશમાં ફરફ’રાટતા ફાટી ગયા છે
પંખી ઊડી રહ્યાં છે પાણીમાં...
કટિ રહી ના કટિ... હવે એ લજ્જાની પંચવટી
પુષ્પે પુષ્પે ઉઘડતા જાય છે આર્યાવતો ફરીથી, ફરીથી પંખિણીઓ

પલટવા લાગી છે પલાશમાં, ભીનાશનાં આયુધો ગ્રહીને દિકપાલો બેઠા છે મૂક
જુલિયટ, જુલિયટ, બૂમ પાડીને બોલ ! નભમંડળોમાંથી વછૂટતા ક્યા આદેશોને હું અનુસરું ?
દૂર પ્રજ્વળે છે દીર્ધ ચુંબનો, ભેગાં ગાયેલાં પ્રણયગાન અને એકલાનાં વિરહગાન
દારુણ સન્ધ્યાઓ... ફક્ત અન્યોન્ય પ્રત્યેના વહેણથી રચાયેલી
જેટલું પ્રબળ અને વિરાટ હતું આપણું દ્રૈત અને જેટલું પોતીકું
એકમેકના હસ્તક્ષેપથી ય મુક્ત કોણ નકારી શકે એને ?
પણ ત્યાં તો દેવદૂતોની અગમ્ય વાણી ઉકેલતાં ઉકેલતાં છાવણીઓ પર ફરી વાર
ઝીણાં રુદનનું આચ્છાદન કરે છે તું... તું તારો જ ત્રીજી વારનો તરજૂમો હોય એમ
ટહેલતી મળી આવે છે લાગણીની મોસમમાં, ભાષ્યો અને શ્રાવ્યો
અને સાદ્રશ્યોના ઉપરતળે થતા સ્તરોમાં, ને મન ફાવે તેમ
ડૂબતા માણસોની યાદમાં દીવાસળીમાં નામો પાડતી રહે છે તું...
ખુલ્લા ઢોળાવ પર આપણો એક વેળાનો હિલ્લોળ લઈને પહોંચી ગયેલી મોસમોને
પાછી બોલાવી લેતી તું, ક્યારેક હાથ હલાવી ગુડબાય કરતી યુવતીઓની જેમ
એરપોર્ટની ભીની સડકમાં ઓસરી જાય છે, તે ક્યારેક
પાછા ફરતાં વૃદ્ધોની જેમ તેમની ટેકણલાકડીઓમાં તૂટી પડે છે તું
આગલા સમયની પીડાઓ વતી પછીની સદીઓમાં
અશ્રુઓના ગંધમિશ્રિત અવાજ લઈ પ્રાંગણમાં પરીઓની જેમ પમરે છે તું
તું વાંછટથી ડરી ગયેલા વણજારાઓની વચ્ચે મને વળગી સૂઈ જાય છે
ત્રણ તરફથી
ને ચોથી તરફથી
ભયભીત તંબૂઓમાં તને ભીંસતો ભારઝલ્લી પેશીઓનો પશ્ચાત્તાપ સાંભળે છે તું
તું મને વીંટે છે, વીંટાય છે, વીંટાળાઈ વળે છે ઊતરતી ઓટમાં
સમુદ્રોના આદેશોને ઉલ્લંઘીને વિસ્તરે છે વસ્ત્રવિહીન વિરાટ વલયોમાં
ને પહોળા હાથોવાળી પીળી માટીમાં પાર વિનાનું પ્રસર્યે જતી તું
સુગંધની જેમ સમાઈ શકાતી નથી ફૂલોમાં
તો છાલક થઈને છલકાઈ ઊઠે છે છોળ છોળમાં
ને ફરી ઊડવાનું શરૂ કરે છે જળમાં જહાજમાં પાંખ વગર...0 comments


Leave comment