91 - આ સમય જ એવો છે / મુકુલ ચોકસી


હું રાત સોંસરવો
એકલો એકલો ઊડતો હોઉં
ત્યારે તારી જરૂર હોય છે
આ સમય જ એવો છે કે
પતંગિયાઓ જંપવા જાય ઘડીક, તો બગીચાઓ
ઊડાઊડ કરી મૂકે છે
લીલાશનું એક એક એકમ સ્ખલનીય હોય છે
કેમ અલગ અલગ જલસમૂહો વચ્ચે પણ
એક જલગામી અખિલાઈ પ્રવર્તે,
તેમ આપણે અલગતા વડે
બંધાયાં હોઈએ મુશ્કેટાટ.
ને એમાં કોઈ શું કરે !
આ સમય જ એવો છે કે નખ કરતાં
લોહીની ટશર વધુ અણિયાળી હોય છે.
ટીટોડીઓના ગેબી તળિયે પડ્યા પાથર્યા
રહેવાનું હોય,
ને તાજાં દંતક્ષતોમાં
રક્તકણોનું સૌષ્ઠવ રમતું મૂકી દેવાનું હોય,
ત્યાં કહે ને ! કોઈ શું કરે ?
આ સમય જ એવો છે કે પાણીનો અર્થ
સમજાતો થાય તે પહેલાં તો
પરપોટાઓનાં નામ ને માછલીઓનાં સરમનામાં
કંઠસ્થ થઈ જતાં હોય છે.
વાંસ જેવા પણ અકારણ ગમી જતા હોય છે.

ને રમતા રમતા
ગેડીદડા પહેલાં તો યમુના નદી ખુદ ખોવાતી જતી હોય છે.
હવે ક્યાં ક્યાં ને કોની કોની આંખમાં
એને શોધવા નીકળીએ ?
તું જ કહે ને ! ચિત્તને સ્થાને લીંબોળીઓનાં નર્યાં ઝૂમખાં જ હોય
ઘર જેવું ઘર
આખી રાત ઉઘાડું રહી જાય
ને એને બદલે તાળું મારી દેવાતું હોત
ભૂલમાં
...પણ આ સમય જ એવો છે
જે ભૂલમાં થતી ભૂલ પણ ભૂલ નથી રહેતી.
કશાક નિરાકાશ સાથે હસ્તધનૂન કરી પણ બેસે મન
અથવા વિદૂષીઓના કેફ સાથે સ્વૈર–વિહાર પણ –
હું તો આ ઊતરતા ઉનાળા વતી નિમંત્રું છું તને...
કોઈનાં રંજને
કોઈ નામ આપી દે ધુમ્મસ કે એવા કશાકનું
એમાં કોઈ શું કરે, કહે ને ?
આ સમય જ એવો છે કે ચેતનાને સૌન્દર્ય,
સૌન્દર્યના રૂપમાં નહીં, વ્યક્તિત્વના રૂપમાં જોઈએ છે
ને આ તરફ અર્થો ય ક્યાં રહેતા હોય છે હેમખેમ ?
અજવાળું એટલે કેવળ સ્વગતથી ત્વગત સુધીની યાત્રા
જ્યાં પહોંચ્યા પછી વૈકુંઠ
એક વેંત જ છેટું હોય છે...
તું સાંભળે છે આ બધું ઓ પર્દાનશીન પારિજાતિકા !
ના–હરકોઈ નહીં
ફક્ત એ જ મારા ઘેનમાં ફીણની અલકાપુરીઓ
વહેવડાવી શકે
જે ઓછામાં ઓછા એક બટમોગરાની વાગ્દત્તા હોય...
અસંખ્ય વહાણો જેમ ડૂબ્યાં હોય તેવા સમંદરો
જેની ચિબુક નજીક ડૂબવાની પ્રતીક્ષામાં ઊભા હોય
ઊંડાં અગાધ સંવનનો
અને નિ:સીમમાંથી ચળાઈને આવતા
અધૂરા વાયદાઓ જ
જેનું સ્થૂળ હોય
અને અસ્થૂળ હોય એટલું બધું કેન્દ્રગામી
કે વરસાદ
સીધો લજ્જાના અંતસ્તલ પર જ ઝીંકાય
જેનો અભાવ ઉષ્ણમાં મરોડદાર ઉત્થાન પામે
અને શીતમાં યે સાચું સળવળે –
પવન માત્ર અંગત અર્થ પૂરતો જ વહે –
ટૂરિસ્ટ બોટના તૂટક પરથી કોઈ રમણીય સહેલાણી સાંજે
અમથું અમથું દૂરબીન પકડીને જોતી હોય,
એવા અર્ધાપર્ધા શિયાળાઓ આમતેમ પડ્યા હોય
- તો, ના
કુદ્ધ વાવટાઓ, તોફાની છાલકો ને ભયભીત જહાજો
જેવું ચોમાસું ખાબક્યું હોય–તો જ હા
સાંજના દીવો થાય કોક ઘરમાં
ને પછી કુટુંબ આખું સ્વસ્થ રીતે વાળુ કરે
...એવું સરળ કશું નહીં
શાંત નિદ્રામાં ય ધગધગતા સાથળોવાળી તરુણીઓના
બર્બર હુમલાઓ થતા હોય
જેટલું સાહજિક હોય તપ
એટલી સાહજિકતાથી થાય તપોભંગ

તને થશે કે આ બધું કેમ ક્યાં શું કામ –
પણ
કરી કરીને કોઈ, આખરે શું કરી શકતું હોય છે ?
કહે ને !
આ સમય જ એવો નથી ?



0 comments


Leave comment