93 - જુલિયટ તો - / મુકુલ ચોકસી
જુલિયટ તો
મારા છેલ્લા આંસુનું નામ છે
એ નામ
જે પ્રેમપત્રોમાં પલાળી પલાળીને
લખાયું છે ખુલ્લીફાટ છાતીઓ પર
એ છાતીઓ
જે કેસૂડાંઓના કદમતાલના લયે
ધ્રૂસકે ધ્રૂસકે ધબકે છે.
એ ધબકારાઓ
જે વસંત આવતાં પહેલાં જ
રાતોરાત ચણી દે છે
જાંબુડી કોશેટાઓ પરિણયના
એ પરિણય
જે લજામણીથી શરમાઈને બાઝી પડે છે
જંગલી થોર
એ થોર
જેના એક છેડે યુગોથી સૂતો છ્હે
આપણો ભયભીત આત્મા
એ આત્મા
જેનાં નસકોરાંઓ ક્યારેક
આપણી કલામની ટોચ સુધી સંભળાતાં હોય છે
એ ટોચ
જેના પાયામાં ઠાંસી ઠાંસીને
ભરવામાં આવ્યાં છે ગીતો...
..આપણા ગંધકોષી ગામનાં
એ ગામ
જ્યાં ગ્રીષ્મનું ગદ્ય અને પીલ્કનું પદ્ય એક સાથે
ગઈ શકાય છે
વૈતથ્યના વાદ્ય પર
એ વૈતથ્ય
જે લવણસિકરો પર ઝળુંબતા
આંતકની ભાષાથી રચાતું હોય છે
એ આંતક
જે પળવારમાં થંભાવી દે છે
ગ્રીવાગ્રે નીકળેલી
સહસ્ત્ર સ્ફટિકોની વિજયકૂચ
એ સ્ફટિકો
જે કોઈ નમેલી સાંજે
આંસુ પર બરફ ઘસતાં ઘસતાં
અચાનક પ્રગટી ઊઠતાં હોય છે
એ બરફ
જે અશરફીઓના કમનીય વરસાદને
તાણી જાય છે
તંદ્રિલ પવનચક્કીઓના પાછળના પ્રદેશમાં
એ પ્રદેશ
જ્યાં એકાદ અધૂરા તારામૈત્રક પશ્ચાત્ પણ
લક્ષકોટિ વાંસવનો ફારી પડતાં હોય છે
એ વાંસવનો
જે અડધાં પાણી અંદર
અને અડધાં આપણી બહાર
પથરાયાં હોય છે
એ આપણે
જે આ બધું હોવા છતાં ય અંતે તો
અધૂરા રહી જતા હોઈએ છીએ
(-આ કવિતાની જેમ)
0 comments
Leave comment