94 - જુલિયટ ! જુલિયટ ! / મુકુલ ચોકસી


લવંગની તોતીંગ સુગંધો સાંય સાંય સૂચવે તે સ્થલ પર
પૂરાવ જનમના પટને અડીને વહેતાં અનરાધારના જળ પર
ભ્રમર થઈને આવ કે હું ઊભો છું તારા રક્તકમળ પર

એક હલેસાંના બે ટુકડા એક વખત ખોવાઈ ગયા’તા અંધારાં ઓલીવવનોમાં
તે આજે કાં આમ અચાનક દોમ દોમ ઊમટી આવ્યા છે તારાં પર્વતિયાળ સ્તનોમાં ?

સર્પ સુખડનો, દંશ સુખડનો
મારો આખો વંધ સુખડનો

અને હવે જો પક્ષ્મછેદની પીડા વગરના ધડ જેવો આ પડી રહ્યો છું
નાભિનિમ્ને એક સુરાલયે હું

મરીચિકાનો મર્મ ગ્રહીને મરી જતા હાથોને કોઈ
સરનામું આપો લાલ લાસોટાતા ચંદ્રોનું
કટિમેખલાથી સ્કંધો પર સરી જતા હાથોને કોઈ
સરનામું આપો રુક્ષ રજોટાતા ચંદ્રોનું

અંધારાં વચ્ચે ઈગ્લુંની જેમ ફફડતા મદના સોગંદ
બે એકલતા વચ્ચેની ભૂંસાઈ જતી સરહદના સોગંદ
બચી શકો એમ ધીમેથી ક્યાં બળાય છે કે સવાલ ઊઠે
હવે હાથપગ ગ્રીવા અલગ ક્યાં કળાય છે કે સવાલ ઊઠે0 comments


Leave comment