95 - તું સમજશે આ બધું, જુલિયટ ? / મુકુલ ચોકસી


કે તમે ત્યારે જ સૌથી વધુ ચાહો છો
જયારે ઝૂરો છો સૌથી વધુ
પ્રત્યેક પળમાં, ઊંડે સુધી ઊતરી
રુદન કરો છો ભૂખરું, પામો છો પ્રેમ
ત્યારે જ, જયારે કશું નથી પામતા
છેવટ સુધી
એટલે જ તમે શ્વસતા હોવ છો
પૃથ્વી સમગ્રના પવનને
પ્રત્યેક શ્વાસમાં,
પ્રત્યેક અશ્રુબિન્દુમાં સારવી દેતાં હોવ છો
સર્વ જળભંડારોને
એમ ને એમ કાળક્રમે
બધી જ ક્રિયાઓ, તુચ્છ–નિરર્થક સુધ્ધાં
મંડિત થતી જાય છે મહાન અનંત સત્યોથી
અને સત્યો કે જે નાનાં છે, ક્ષુલ્લક છે
જેમ કેઅલગ થઈ જવું પ્રીયથી –
સંસ્કારે છે આપણી નિભ્રાંન્તિને, અનાસક્તિને,
આપણાં મૂલ્યવાન ગન્તવ્યોને;
પછી જ પમાય છે
રૂપ તળેનાં રૂપરૂપાંતરોણો, સ્થપાય છે
સંચાર માંહેનાં સંચરણો, ઓળખાતાં જાય છે
આવરણ પારનાં અનાવરણો, પછી જ.
પછી જ સમજાતું થાય છે
કે મૌન
ભલે નથી વધુ અખંડ આ સમાન્તર પાટાઓથી
પણ ચોક્કસ છે વધુ અંતહીન
તુચ્છ ચંપલો શું સાચે જ
નથી પામતી ગતિનાં વિશાળ રહસ્યો ?
અને અર્થહીન પ્રસ્વેદ
શું ન જ સમજતો હશે
સ્પર્શનો ગહન વ્યંજનાર્થ ?

રુક્ષ પથ્થરો
પામે છે એક વાર જે આંખોનો સંસ્કાર
તે આંખ પછી કેવળ આંખ કહે છે ખરી ?
તું સમજશે, આ બધું જુલિયટ ?
કલરવથી ક્ષણિક મુગ્ધ થઈ જનાર કર્ણોને
ક્યારે સમજાશે
કે કલરવથી ક્યાંય વધુ અનવરુદ્ધ હોય છે
નીરવ
અને ઝગમગાટ પ્રકાશથી અંજાઈ જનાર નેત્રોને
ક્યારે સમજાશે કે સૂર્યમંડળો સુધ્ધાં
જીવે છે જે અવકાશરાશિમાં
તે તો છે નર્યાં અન્ધકારથી ખચિત
અને તે છે આટલો અન્ધકારમય
તો હશે કેવો પ્રગાઢ
એ અન્ધકારને સતત ઝીલતી આંખોને અન્ધકાર
તું સમજશે જુલિયટ, કે કેમ
આંસુઓ ગ્રહે છે પૃથ્વીનો આકાર
આપણાથી અલગ થયા બાદ,
અનસ્તિત્વ ઉપેક્ષય છે કેમ,
કેમ જળવાઈ રહે છે રેતી ને
બશ્પિત થઈ જાય છે જળ, કેમ ?
તું સમજશે આ બધું જુલિયટ ?
મને સમજતાં પહેલાં
સમજશે ?0 comments


Leave comment