96 - લાવીતાની જેમ... / મુકુલ ચોકસી


રાત્રિનું
છેક પાછલી રાત્રિનું લાવણ્ય, મ્લાન
ખળભળે છે ચાંદનીના પૂરમાં,
ત્યારે આવે છે જુલિયટ –
જીવંત જહાજોના કાફલાઓમાં દીવાદાંડી જેટલી દૂરથી અને
હું લખ્યે જાઉં છું પ્રેમપત્રો પારેવડાના ઝાંખા પ્રકાશમાં...
શહેર છે ભરચક, વયોવૃદ્ધ મૌનના દીવાઓથી છલોછલ
અને તૂટે છે, છેક તૂટે છે,
લય
એક ઉચ્છવાસ સ્થાપું છું ચાત્રમાં
મધ્યબિન્દુથી ખૂબ દૂર, ન હોવાથી ય અળ,
જાણે ભરપૂર આજે આ ટગુમગુ ભૂરાશ પાછળ
એક આખું પશ્ચિમ ખોદાઈને ઊભું છે સ્તબ્ધ
ધૂનીલ ચંદ્રની એક એક તિરાડમાંથી ગોટ ગોટ વછૂટતાં નભનારંગી નેવાંઓ
આટઆટલા કલ્પ તો ય કેટલા અલ્પ
તમે એક વધુ ઘઉંવર્ણી છોકરી જે જુલિયટ જે
ગુલાબોનો ઉન્વાલો હાહાકાર પહેરીને આવી ચડે છે
થીજેલાં સરોવરોમાં, રાગ ખંડેર છેડે છે રાખનાં વાજિન્ત્રો પર,
અને લોહકન્યાઓના ચુબ્કીય પ્રદેશમાં
પારાવાર ઢોળાવો અંતગર્ત તરસ તરસ
જેમ રંગો અધૂરા છે આંખ વિના
જેમ ઘાસ અવ્યક્ત ઊંચકાય છે પડછેથી
સીમના સૂનકારને સાંધવા આપણે તેમ ને તેમ છીએ, ત્યાં ને ત્યાં જ –
ને છતાં હું મને આ ક્યાં વહાવી લાવ્યો છું મારી નજીક કે જ્યાં
વૃક્ષોની ટોચો હંસ છે તળાવો હંસ છે
હંસ છે ટ્રેનો... પંક્તિઓ આવે છે એકલી અટૂલી
અવકાશમાં ખૂબ ઊંડે ઊતરતા પંખીની જેમ
હળવે હળવે, ધુમ્મસના
ભારથી નમેલા વૃદ્ધોની જેમ,
અજાણ ભાષાની દિશામાં, યાતના
થોડો બરફ વરસાવે,,, પછી શાંતિ સ્વયં
અને રુદન ભૂખરું મોદી સાંજનાં પવનોથી આવૃત
કેવળ મૃત્યુ સમેટી લે પોતાને,
આ પર્યાવરણમાંથી
છતાં જુલિયટ વનસ્પતિમાં સૂંઘે છે મને
દ્રઢતાથી
હું નજરનો દબાવ
વધારું છું લીલાશ પર
હવામાં પ્રાચુર્ય છે આવતી કાલનું અને અચાનક
ફરી વાદળો ફરી વાદળો, વાદળો
હિંમતથી થાંભલાઓ તરફ જતામાં તો
સૂર્ય ઊમટી આવે છે વચ્ચેથી
કલકલાટ ઝરણાંઓ ચીરતો
કેમકે પૃથ્વી હસીને આપે છે સંમતિ
ઋતુઓ વડે, જળલહેરો વડે, પુષ્પો વડે,
અને જુલિયટ પણ આવે છે
દિશાઓ બધી જ ઉઘાડી મૂકીને
આ મધ્યરાત્રે ઝંખાના તણાઈ ગયેલા ટાપુઓને શોધવા,
રણમેદાનમાં ફૂલપાંખડી લીબે ધસી જવાના સમયે
ઘૂંટણિયે પાડીને સમુદ્રોને ચાહવા,
કવિતાની જેમ,
ફેલાઈ ફેલાઈને
મટી જવા.



0 comments


Leave comment