97 - છેલ્લા સ્ખલનની રાત્રિઓમાં / મુકુલ ચોકસી


છેલ્લા સ્ખલનની રાત્રિઓમાં
ચાંદનીમાં ઘુરકતા ચિત્તા એ જોયું
કે તું બની છે યૌવના
પાણીનું શરીર અને બદામી જ્વાળાઓનો વિસ્તાર
હું દોઢ જન્મની તરસ લઈને આવ્યો’તો
જયારે વરસાદનો ચહેરો મારી ઇચ્છાઓ જેટલો ધૂંધળો નહોતો
જળાશયોને કાંઠાઓ હતા, પંખીઓને પોતપોતાનાં નામો હતાં
અને મારી છેલ્લી ચીસનો સુકાની કોણ થશે એ નક્કી નહોતું
તે સાંજે હું ખોટો દરવાજો ખોલી સાચા ઘરમાં ડખલ થયો – અચાનક
બંધ પાંપણોએ, જીવતરની બારીમાંથી પારાવાર પીંછાં
ખેરવીને ઊડી જતા કપોળકલ્પિતને જોયું
જોયું મરુદ્રીપનું મિશનનિમંત્રણ, ને મારી તૃશ્નાઓનું
બદલાઈ જતું વલણ
હું રોકાયો, મેં આંસુ ઉપર અટ્ટહાસ્યનું પારજાંબલી તિલક કર્યું
જો કે એ ભૂલ હતી, ચોક્કસ ભૂલ
કારણ કે જો હું ઋતુપલટાને વશ થઈ જતાં નાનાં પ્રાણીઓની
જેમ વરત્યો ન હોય
તે ગણાતે એટલો બળવત્તર
જેટલો હકીકતમાં ન હોત
છતાં મને કહેવા દો કે આસમાની રણગાડીઓમાં બેસીને
અગિયાઓ પર ચઢાઈ કરતાં કરતાં
મેં, એ હાથથી તને સ્પર્શી છે, જે હાથ પોતાની ટચલી આંગળીને
પાષાણયુગમાં ભૂલી આવ્યા છે,
ને લઈ આવ્યા છે અવાવરું અંધારું, આશ્ર્લેષ અને આવેગો
(ભુજાઓમાં ઉદ્દ્ભવીને ખીણોમાં ભાંગતા)
જેને આધારે ક્યારેક
વિખેરાઈ ગયેલા પુરુષોની બાષ્પથી રચાયેલા વાદળનો હાથ પકડીને
મેં વગર વહાણે, સુગંધમાર્ગે
અમેરિકાને ફરી એક વર શોધ્યું’તું અનાયાસ
પણ પાછા ફર્યા બાદ મને કહેવામાં આવ્યું
કે મારું સૌથી સુંદર કાવ્ય એ હતું,
જે રચ્યું’તું કોઈ બીજાએ
છતાં હું વીનવું છું :
એક વાર સદીઓને છેવાડે જઈને જો કે ભૂંસાતું જતું
મારું આ સ્વરૂપ પોતે જ ઈસવી સન પૂર્વેનું ભવ્ય ગ્રીસ છે
દ્રંદ્રયુદ્ધને ટાણે નગરચોકમાં ભીડને વચ્ચે ઊભા ઊભા હણાઈ જવું
તે છેક આજેસાંજે સાત ને પાંચે જુહૂના બીચ પર
એટલી જ ભીડમાં ફરી ઉપસ્થિતિ થવું, એ જ છે મારો વ્યવહાર
અને એ જ છે આત્માની પ્રકૃતિ જે ઘવાય છે
ઔદાર્યથી...ને ઉપેક્ષાથી રૂઝાય છે
ખરડાય છે ચારિત્ર્યથી ને કલંકથી ધોવાઈ શુદ્ધ થાય છે
જ્યાં મારું મૃત્યુ સંવર્ધે છે તારાં અંગોપાંગની પુષ્ટતાને
હું, જળના બનેલા તારા સહસ્ત્ર હાથોથી
ન ઊંચકી શકાયેલું કાદવનું ફૂલ છું
ને ભાષાની અંદર સંતાઈને ટકોરા મારું છું
તારા દ્વાર વિનાના ઘર પર
તું તારાં સત્તાવીસ સ્તાનોના તળિયેથી કંઈ બોલ
મને બોલવ, અમાસી રાતનાં અંધારામાં
હું આવીશ
વીતેલી સાંજના ઢોળાવો પરથી તાલી હથેળીઓ છાંયો
સરી જતો જોવા હું આવીશ
મલય–મેરુનાં સ્વર્ણશિખરો પરથી તેં તરતી મૂકેલી બીજરેખાને
કર્ણફૂલથી આચ્છાદિત કરવા...
હું આવીશ ઓ સ્વૈરવિહારિણી ! ઓ સપ્તસ્વર્ગારોહિણી !
આ મદોન્મત્ત પયોધરો વચ્ચે થઈને મને
ઉત્તરા ફાલ્ગુનીમાં ઊગવા દે પૂર્ણ કળાએ...
હું વડવાનલની અંગુલિથી ખોલી નાખીશ સગળા નીવીબંધ
અને તું થશે નાનકડું કાળિયાર
મંદારપુષ્પવૃષ્ટિથી ભયભીત બની જઈ અચાનક
આમ્રમ્ન્જ્રીઓમાં લપાઈ જતું
પણ તમાલવૃક્ષોમાં ચંદ્રોદય થયા બાદ એક્કી છલાંગે
બહાર ઉછળી આવતું
દક્ષિણાનિલમાં ઊડી આવેલી કમળપરાગનો કેફ લઈ...
લઈ શૃંગારપૂર્ણ સ્ખલનો, લઈ ઉત્તાપ કેશકલાપ...
હું બૂમ પાડોને પછી બોલવું છું મારા જીવરા
હોવાની સંભાવનાઓને
ગુલાબનાં નામો, મયૂરપંખનાં અર્થો અને આનંદની
અભિવ્યક્તિ બદલી નાખવા
હું તારા ખુલ્લા સ્નિગ્ધ ઘૂંટણોને અડું છું, અડું છું
અને ઘૂંટણિયે પડું છું
પડું છું અને ખૂબ ઊંડેથી પ્રાર્થું ચુ
પણ મારો પ્રત્યેક પ્રાર્થના થઈ જાય છે કોક અન્યની
અથવા બીજા ઘણા બધાની
અરે ! એકમેકની સહુકોઈની !
અને માત્ર મારી જ નહીં...
પછી આંખો સમક્ષ ઊપસી આવી એક ગૌર કાયા
જે જોવાથી થઈ મલિન
આંખોએ જોયું જોયું ને જોતી રહી
પણ અંતે એકાંતમાં જઈ રડી પડી રડતી રહી
અને થઈ ફરીથી શુદ્ધ... પછી
છાંટા ઉડાડતું ભોળું શૈશવ
પાંખો ફફડાવતું ઊડી ગયું દેવદારુ વનમાં
ને અર્ધનિદ્રિત આંખે
પ્રેક્ષાગારની છેલ્લી હારમાં બેઠા બેઠા મેં જોયું
કે મારી ફરતે ટોળે વળેલું
એકમાત્ર ફૂલ જ હું જ છું
અંત:પુરના પ્રશાન્ત તપોવને, એકલ પર્ણકૂટિમાં
રોમરાજિના કશા ય અવલ્બન વિનાનું
જોં કોઈ વિદાય વૈકલ્પિક નથી
પછી આવ્યો એ પ્રદેશ
જ્યાં મેં મને જ કહેલી પંકિતો દ્વારા
તું સમ્ભ્લીતી રહી તને
પ્રકાશે પોતે જ
પ્રકાશને અલગ પાડ્યો પ્રકાશથી
અને રાત અને મીણબત્તીઓ વચ્ચે કેવળ આપણે જરહી ગયા પાયાના પ્રશ્નો લઈને –
મને યાદ કરાવ, કેશરાશિની કોતર કંદરાઓમાં ને
સ્મરણની અબુધ શેરીઓમાં,
ફીણ ઉડાડશું તો ચકલીઓ બનશે
ને શ્વાસ લઈશું તો સૂર
એ દિવસોની વાત મારી ચાટીને યાદ કરાવ
યાદ કરવ કે આપણે હતાં અગશીઓની, ઝૂલતા ઝૂલતા ડાળીઓમાં ફેરવાઈ જવાની રમત
સપ્તપલાશની શય્યા
જેના પરે કામતપ્ત મન્મથના ઓષ્ઠદંશથી
કોઈ કલહંસીના આંચળમાંથી
ઝરી પડ્યાં’તાં ગજમૌક્તિકો

આપણે હતાં આપણા જ રંગનો બરફ ચોતરફ
અથવા કશું ય નહીં
કશું ય નહીં સમજાય એવાં હતાં આપણે
આ બધું જ મને બોલવા દો જોરથી
એ પહેલાં કે મારી આસપાસ
ઊગી નીકળે અસંખ્ય બોધીવૃક્ષો અને
કેવળજ્ઞાનના પ્રક્ષવર્તુળમાં હું જાણી જાઉં
કે આકાશનાં ધૂર્ત અને પરીઓ ઢોંગી હોવા છતાં
અમાસની રાત્રે બીજનો ચંદ્ર પોતે જ પ્રણય છે
અને સમજી જાઉં કે આપણા
તમામ સત્યોનો સરવાળો
એક ઝાકળબિન્દુના વજનથી વધરે ક્યારે ય નહોતો
એ પહેલાં મને જાળવી લો –
પતંગિયાઓના ડોલાયિત આચ્છાદનમાં
કે પારિથી ઊડીને આવેલ પારીજાતોના
શામિયાણામાં
ડૂબવા આવેલી હિમશીકોને ટેકે
કે અપચી ગમે તે રીતે
પણ હું ભાંગી પડું એ પહેલાં મને જાળવી લેઓ
આ છેલ્લા સ્ખલનની રાત્રિઓમાં.0 comments


Leave comment