31 - સુણ સજના પરગટ ભયો, ભીતરમાં અજવાસ / રમણીક સોમેશ્વર


સુણ સજના પરગટ ભયો, ભીતરમાં અજવાસ
એક અનોખી પ્યાસ, કંઠે ઝીણું ઝલમલે

કોણ ઉતરડે ચામડી, કોણ ઉતરડે શ્વાસ
સાજન કોણ ઉલેચતું, ભીતરનો અજવાસ

અલપ-ઝલપ જોયું અમે, કૂણું કાચું પાન
તે દિ’નું તોફાન, ગોરંભાયું છાતીએ

સજન સુજાણ કહો તમે, સાચવીએં કઈ પેર
એનું ધીમું ધીમું ઝેર, ના ચડતું, ના ઊતરે

ભળુંભાખળું થઈ રહ્યું, ઊંડે ઊંડે છેક
સાજન અક્ષર પાડતાં, આ શી છેકાછેક

આંખ ઝરુખો આવડો, ને જોવું અપરંપાર
એક જ બિંદુ ધાર, જે જોવું તે જોઈ લે,

સાજન તારી આંખમાં સાગર ઊછળે સાત
મેઘધનુષી ભાત, ઝીલું મારી આંખમાં

ચશ્મા નામે કાચને લાધે ક્યાંથી સાચ
આંખોનું આકાશ, એ ક્યાંથી ભાળી શકે

નયણાં નીરખે નેહથી, કો’ વીતેલી પળ
ઓચિંતાનાં જળ, ઝરમર, ઝરમર ઝરમરે

ઘૂ ઘૂ દરિયો ઘૂઘવે, ડગમગ ડોલે નાવ
ચાંદાનો અજવાસ લઈ, હે સજના તું આવ.0 comments


Leave comment