33 - વિચાર-વાયુ ચડ્યો અને અમથાજી અન્ડરગ્રાઉન્ડ / રમણીક સોમેશ્વર


વિચાર-વાયુ ચડ્યો અને અમથાજી અન્ડરગ્રાઉન્ડ,
અંદરના આટાપાટામાં અમથો મારે રાઉન્ડ.

અંદર તો ભૈ ખૂણે-ખાંચરે ઇચ્છાઓનું જાળું,
અમથો કરે વિચાર હવે કઈ સાવરણીથી વાળું !

અમથાજીની નબળી નસને ઇચ્છાઓ બહુ જાણે,
મનની કૂંણી લાગણીઓ પંપાળે એવે ટાણે

અમથાજીતો પોતે વરસે ને પોતે ભીંજાય,
બહુ બહુ તો પાછા પોતાની જાત ઉપર ખિજાય.

એમ અમસ્તા અમથાજી તો માર્યા કરતા રાઉન્ડ,
વિચાર-વાયુ ચડ્યો અને અમથાજી અન્ડરગ્રાઉન્ડ.0 comments


Leave comment