36 - માણસ નહીં પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી / રમણીક સોમેશ્વર
માણસ નહીં પણ વાટ વગરનું ફાનસ છે આ અમથાજી
થરથરતી ઠંડીમાં ભીનું બાકસ છે આ અમથાજી
લોક વચાળે ગાય વગાડે, તા તા થૈ થૈ નાચે છે
ચોરે ચૌટે ભજવાતું એક ફારસ છે આ અમથાજી
ફાટેલા દિવસોને બખિયા ભરી ભરીને સાંધે છે
ટાંકા-ટેભાવાળું તોયે અતલસ છે આ અમથાજી
જીવતરના સૌ દ્રશ્યો અમથો ઝાંખા-પાંખા ભાળે છે
આંખો વચ્ચે ફેલાયેલું ધુમ્મસ છે આ અમથાજી
રોજ એકના એક ખેલને ભજવી ભજવી થાક્યા છે
આમ જુઓ તો ફ્લોપ ગયેલું સરકસ છે આ અમથાજી
0 comments
Leave comment