40 - મારું પગેરું ક્યાં મળે છે કોઈ સ્થળ કે કાળમાં / રમણીક સોમેશ્વર


મારું પગેરું ક્યાં મળે છે કોઈ સ્થળ કે કાળમાં
બીજમાં હું હોઉં, ને હું હોઉં ટગલી ડાળમાં !

મંદ મસ્તીભર પદોમાં કે પછી કરતાળમાં,
હું તો વણાતો જાઉં છું ધીમે કબીરી સાળમાં !

ક્યાં હવાને કોઈ પણ આકારમાં બાંધી શકો,
હોઉં છું ને તોય પણ હોતો નથી ઘટમાળમાં !

કોઈ સમજણ બહારનું કારણ હશે એમાં જરૂર,
ઓરડેથી નીકળી અટકી ગયો પરસાળમાં !

આમ તંતોતંત વહેતો હોઉં છું ચારે તરફ,
ને છતાં હોતો નથી હું કોઈ સ્થળ કે કાળમાં !0 comments


Leave comment