41 - હું નથી નક્કી, હું આ કે તેય હોઉં / રમણીક સોમેશ્વર
હું નથી નક્કી, હું આ કે તેય હોઉં,
હોઉં સઘળે ને છતાં પરિમેય હોઉં.
હોઉં ઘરમાં ડાયરા વચ્ચે અને
એ જ ઘડીએ શક્ય છે બા’રેય હોઉં.
ક્યાં કોઈ વીતી ગયેલો કાળ છું હું
સાવ પાસે હોઉં, અત્યારેય હોઉં.
એમ મારું નામ તેઓ ગટગટાવે,
કેમ જાણે હું કશું કંઈ પેય હોઉં !
ક્યાં કશો પણ ભેદ ત્યાં પામી શકાયો,
હું સ્વયં હોઉં, અને હું એય હોઉં.
0 comments
Leave comment