42 - હજી ઘૂમી રહ્યું છે કંઈક અંદર / રમણીક સોમેશ્વર


હજી ઘૂમી રહ્યું છે કંઈક અંદર,
ઉછાળું બહાર કે સંભાળું ભીતર !

ઉકેલું, જોઉં, ખખડાવું કે ખોલું,
પ્રવેશું, ને પછી લાગું અવાંતર !

છવાયું ચોતરફ ધુમ્મસ હવે તો,
ઝળાહળ જ્યોતનો બતલાવ મંતર !

છલોછલ બેઉ કાંઠેથી ભરેલું,
હશે શું આમ મારાથી સમાંતર !

સતત આવાગમન, અવઢવ, અજંપો
વલોવાતું રહે ચોપાસ અંતર !0 comments


Leave comment