44 - ઉછાળા મારતા સાતે સમંદર આપણી અંદર ! / રમણીક સોમેશ્વર
ઉછાળા મારતા સાતે સમંદર આપણી અંદર !
પ્રસારી પાંખ ઊડે છે કબૂતર આપણી અંદર !
બધું ભરચક, બધું ઘેઘૂર – ભીનુંછમ્મ લાગે છે,
છતાં કેવા અભાવો છે સદંતર આપણી અંદર !
પછી વરસાદ, કૂણું ઘાસ, મબલખ મોલ, ઉજાણી,
ઘણી ઇચ્છાઓથી વાવેલું ખેતર આપણી અંદર !
ગમે ઉછેરવાનું, પાળવા-પંપાળવાનું જે,
કદાચિત્ હોય એ છૂપું દટંતર આપણી અંદર !
થરકતા-ધ્રુજતાં પણ પહોંચવાનું થાય છે મન જ્યાં,
હજુ પણ કૈંક છે એવું અગોચર આપણી અંદર !
0 comments
Leave comment