20 - ‘ગુરુ’ શબ્દ વિચાર / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
‘ગુરુ’ શબ્દ આપણે ત્યાં પ્રાચીનકાળથી વપરાતો આવ્યો છે. આ શબ્દની વ્યાખ્યા કરતાં એમ કહેવાયું છે કે ‘ગુ’ શબ્દનો અર્થ ‘અંધકાર’ એવો થાય છે, જ્યારે ‘રૂ’ શબ્દનો અર્થ છે ‘દૂર કરનાર, નિરોધક.’ આ રીતે જે ‘અંધકારનો નાશ કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે તે જ સાચા ગુરુ છે.’ [અદૈતાકોપનિષદ :ગુ શબ્દસ્ત્વન્ધકાર : સ્યાદ્દ શબ્દસ્તન્નિરોધક: અન્ધકાર નિરોધીત્વાદ્ ગુરુરિત્યભિધીયતે !!, સંત સાહિત્ય પૃ.૧૭૮ પરથી ઉદધૃત]
ગુરુ શબ્દની વ્યુત્પની ચર્ચા કરતી વેળા કહેવાય છે કે મૂળમાં ‘ગુ શબ્દે’ અથવા ‘ગૃ નિગરણે’ એ બેમાંથી કોઈપણ ધાતુની આધારે ‘ગુરુ’ શબ્દ બની શકે છે. [આચાર્ય પરશુરામ ચતુર્વેદી. સંત સાહિત્ય કે પ્રેરણાસ્ત્રોત પૃ.૧૧૯]. એટલા માટે આવું બતાવાય છે કે ગુરુ શબ્દનો વાસ્તવિક અર્થ પણ સાધારણત: ‘શબ્દ’ અર્થાત્ ઉપદેશ આપનાર અથવા ‘કોઈ એવા મહાપુરુષ જે કોઈ અન્યના આજ્ઞાનાન્ધકારનો નાશ કરી શકવામાં સમર્થ હોય.’ [આચાર્ય પરશુરામ ચતુર્વેદી. સંત સાહિત્ય કે પ્રેરણાસ્ત્રોત પૃ.૧૧૯]. એમ થાય છે. એટલે જ ગુરુ શબ્દનાં પર્યાય રૂપમાં ઘણીવાર ધર્મોપદેશક, મંત્રદાતા, આચાર્ય, શિક્ષક વગેરે શબ્દોનો ઉપયોગ થતો હોય છે.
ગુરુ એટલે જે લઘુ નથી તે. અને જે લઘુને ગુરુ બનાવે તે. જીવનમાં લપસણા પ્રવાહો વચ્ચે કનક, કાન્તા ને કીર્તિનો વંટોળ વચ્ચે સ્થિર રહે તે ગુરુ.
એ સિવાય પ્રસંગવશ ‘ગુરુ’ શબ્દ અગ્રણી, નિયામક, મહાન, ભારે કઠણ વગેરે સૂચક શબ્દો માટે પણ વ્યવહારમાં પ્રયોજાતો આવ્યો છે. ભગવદ્ ગોમંડલ બૃહદ્ શબ્દકોશમાં ‘ગુરુ’ શબ્દના ૪૬ અર્થો અપાયા છે. [ભગવદ્ ગોમંડલ બૃહદ્ શબ્દકોશ – ભાગ.૩, પૃ.૨૮૭૧, આ.૧, ૧૯૪૬]
સાહિત્યનાં ક્ષેત્રમાં તો ‘ગુરુ’ શબ્દને હંમેશાં ઊંચું સ્થાન મળ્યા જ કર્યું છે. એ શબ્દ પ્રત્યે ગંભીર નિષ્ઠા પ્રદર્શિત કરવામાં આવી છે. વળી એના પ્રત્યેક ચરણના પણ અર્થો આ રીતે કરવામાં આવ્યા છે: ‘ગુ’ કાર સિદ્ધિઓ આપવાવાળો, નરેફ કે ‘ર’ કાર પાપોને બાળવાવાળો અને એમાં પ્રયુક્ત ‘ઉ’કાર સ્વયં શંભુરૂપ છે. [આચાર્ય પરશુરામ ચતુર્વેદી. સંત સાહિત્ય કે પ્રેરણાસ્ત્રોત પૃ.૧૧૯ (ગુકાર. સિદ્ધદ. પ્રોકતો, રેફ. પાપસ્યાદાહક, ઉકાર. શમ્ભુરિત્યુંક્ત સ્ત્રિતમાત્મા ગુરુ સ્મૃત).]. એ જ કારણે એના વાચક ગુરુ દેવને આપણે એનાથી અભિન્ન ન કહી શકીએ.
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિશ્ણું ગુરુર્દેવો મહેશ્વર :
ગુરુર્સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમ :
જેવા અવેડ ધ્વનિનો પડઘો આપણને મધ્યકાળના નિરક્ષર સંત દાસી જીવણમાં પણ આ પરંપરાને કારણે જ સંભળાય એમાં નવાઈ શી ? ગુરુને પરમ આદર્શ પુરુષ માનીને શિવ, બ્રહ્મ, સૂર્ય, ચન્દ્ર, કે સિદ્ધનું સ્વરૂપ માનીને એની ઉપાસના કરતાં દાસી જીવણ ગાય છે :
‘ગુરુ ગોવિંદને તમે એક કરી જાણો એમાં ફેર નથી લગાર’
અથવા તો –
‘પ્રથમ પુરુષ ગુરુ પ્રગટિયા વિલસીને કર્યો વિસ્તાર :
ઓર જગત સરવે ગુરુની થાપના, સતગુરુ સૌના સરદાર
ગુરુની સેવાયે અભેપદ પામીએ.....’
જેવી પંક્તિઓમાં ગુરુમહિમાનું ગાન કરતા દાસી જીવણ ગુરુને પરબ્રહ્મ પરમાત્મા તરીકે ઓળખાવે છે. ગુરુએ જ આ સમગ્ર જગતનું-સંસારનું સર્જન કર્યું છે, એના સર્જક, સરદાર અને પાલનહાર ગુરુ જ છે એવું પોતાના ભજનોમાં ગાઈને દાસી જીવણ પોતાની ગુરુભક્તિ પ્રગટ કરે છે.
દાસી જીવણની આ ગુરુભક્તિ ભજનિક સંતો માટે નવી નથી. ભજનોમાં-સંતસાહિત્યમાં ગુરુશરણે જઈએ તો જ મોક્ષના પદની પ્રાપ્તિ થાય છે એવું વારંવાર કહેવાયું છે. ભજન ગુરુનું અંતર્ગત વિવિધરંગી સ્વરૂપ નિહિત છે તેણે અવલોકીએ.
0 comments
Leave comment