21 - ભજનસાહિત્યમાં ગુરુમહિમા / નિરંજન રાજ્યગુરુ
આપણે ત્યાં સાખીથી ભજનોની શરૂઆત થાય છે. ગણપતિને ગુરુરૂપે કલ્પીને ભક્તિ અને જ્ઞાનના પૂજકો–આપણા ભજનિકોએ મંગળમય ગણપતિની સ્તુતિથી જ હંમેશાં ભજનોની શરૂઆત કરી છે. પરમાત્માને સાક્ષીરૂપે માનીને–જે હંમેશાં એની શાખ પૂરે છે એવા પરમતત્વ પરમાત્માની ઉપાસનાનો આરંભ થાય છે.
“પરથમ કે’ને સમરિયે, કે’નાં લઈએ નામ,
માતપિતા, ગુરુ, આપણાં, લઈએ અલખ પુરુષનાં નામ...”
અને પછી ગુરુની અપાર શક્તિ અને સામર્થ્યનાં દર્શન કરાવો જે પરમાત્માનાં દર્શન કરાવી આપવાને શક્તિમાન છે એવા મહાપુરુષની અપાર કરુણા અને કૃપા સામે કૃતજ્ઞભાવે મસ્તક નમાવી વંદના કરતો શિષ્ય ગુરુના અલખ પુરુષ–આદિપુરુષ તરીકેના બ્રહ્માંડ વ્યાપી ઐશ્વર્યનું ગુણગાન કરે છે.
સદ્દગુરુ મેરે ગારુડી, કીધી મુજ પર મ્હેર,
મોરો દીધો મર્મનો, ઉતરી ગયાં છે ઝેર...
રગેરગમાં ફેલાયેલા તૃષ્ણા વાસના રૂપી ઝેરને ઊતારી શકવા તો કોઈ ગારુડી રૂપી ગુરુ જ શક્તિમાન હોય ને ! ગુરુ જયારે મર્મ રૂપી મોરો આપે છે ત્યારે સાધકને પરમ શાંતિની પ્રાપ્તિ થાય છે, અખંડ આનંદની ઉપલબ્ધિ થાય છે... હિન્દુધર્મના ધાર્મિક સંસ્કારોએ ‘માતૃ દેવો ભવ:’ એમ પણ કહ્યું છે. આપણાં ધર્મશાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે – ‘ગુરોસ્તુ મૌનમ્ વ્યાખ્યાનમ્ શિષ્યાસ્તુ છિન્ન સંશય:’ ગુરુદેવ એ જ કહેવાય જે માત્ર મૌનથી જ શિષ્યોના તમામ સંશયો દૂર કરે. આમ ગુરુને દેવસમાન માનીને એનું પૂજન કરવાની પ્રણાલી જે આપણા ભજનિક સંતોનાં ભજનોમાં જોવા મળે છે તે નવી કે આંગતુક નથી.
પ્રીતમ કહે છે :
“અંતરજામી ગુરુ આત્મા, સબઘટ કરે પ્રકાશ :
કહે પ્રીતમ ચર અચરમાં, ગુરુ નિરંતર વાસ.’
[ગુજરાતના સંત કવિઓ અને બાઉલપંથ. પૃ.૨૫]
ગુરુભાવ અથવા ગુરુમહિમા એ મધ્યકાળના બધાયે સંતો, કવિઓ અને મરમીભક્તોનું સર્વસ્વ છે. ‘ગુરુની સેવાએ અભેપદ ન પામીએ...’ એમ કહીને ‘દાસી જીવણ’ ગુરુનું જે અંતરતમ સ્વરૂપ આપણી સામે ખડું કરે છે એ મર્માળુ છે. હિન્દીસાહિત્યમાં સહજોબાઈએ જે ભાવ, જે ગુરુમહિમા ગાઈને ‘ગુરુ’ને ‘પૂરન દાતાર’ [સંત સાહિત્ય ઔર સાધના. પૃ.૧૪૧ ભુવેનશ્વરનાથ મિશ્ર (માધવ)] રૂપે વર્ણવ્યા છે, એ જ ભાવ અહીં જોવા મળે છે.
ગુરુનો મહિમા ગાતા ભોજા ભગત કહે છે કે
“”શબ્દને પાર સદ્દગુરુજીનું રૂપ છે,
ચર્મ ચક્ષુ હોય તેને કેમ સૂઝે :
જીવ પણે પર તો કોઈને જડે નહિ,
અનુભવી હોયે તે આપ બૂઝે :
ભક્ત ભોજા કહે ગુરુગમ પ્રગટે તો,
જન્મને મરણનો ભય ના’વે.”
[ગુજરાતમાં સંત કવિઓ અને બાઉલપંથ પૃ.૨૫]
એમ કહીને ભોજા ભગતે માનવજીવનમાં ગુરુનું મહત્વ વર્ણવી દીધું. આમ ગુરુના શબ્દોને વેદના શબ્દોની માફક સ્વીકારી જીવન પર્યંત એનું જતન કરવાનું આપણા સંતોએ શીખવ્યું છે. ગુરુએ ઉપદેશેલા રામનામના મંત્રથી જ શિષ્યનો બેડો પાર થઈ જાય છે એવી સંતોની માન્યતા છે. ગુરુમુખથી જે ‘વાણી’ નીકળીને શિષ્યને પાસે પહોંચે છે એમાં એક જાતની વિલક્ષણ વિદ્યુતશક્તિ હોય છે અને એક ક્ષણમાં જ એ શક્તિ સાધક શિષ્યને કથીરમાંથી કંચન બનાવી દે છે એવા સંતોના અનુભવો ‘ભજનવાણી’માં આપણને ઠેર ઠેર જોવા–સાંભળવા મળે છે.
ગુરુકૃપાથી જ અજ્ઞાની અને મૂર્ખ મનુષ્ય દેવત્ય પ્રાપ્ત કરી શકે છે. સ્વયં બ્રહ્મ સમાન ગુરુ જ અનંત જ્ઞાનની જ્યોતિથી શિષ્યના અંતરમાં અજવાળાં કરી જગતની દરેક વસ્તુઓને પ્રકાશિત કરી આપે છે, સંસારસાગરમાંથી પાર ઉતારવાનું સામર્થ્ય અને શક્તિ ફક્ત ગુરુજી જ ધરાવે છે એવું આપણા સંતો–ભક્તોએ અવાર નવાર પોતાના ભજનોમાં કહ્યું છે.
ઉપનિષદકાળથી લઈને ભક્તિકાળ સુધીની વિવિધ સાધનાઓ તરફ નજર કરીએ તો જાણવા મળે છે કે સાધનાના પ્રત્યેક માર્ગમાં ઉચિત પથદર્શકની સદાને માટે અને પ્રત્યેક સ્તર પર જરૂરી રહી છે. એમ આપણા સાધકો અને સંતો–ભક્તોએ ગાઈ બજાવીને કહ્યા જ કર્યું છે. જયારે કોઈપણ સાધના માટે સામાન્ય કે અજ્ઞાની વ્યક્તિ તૈયાર થાય ત્યારે એમણે ઘણી બધી કઠિનાઈઓનો સામનો કરવાનો હોય છે. અને એ સામનો કરવાની શક્તિ અને પ્રેરણા ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય છે. ગુરુ વિના એમાં સફળ થવાતું નથી. એટલે જ્ઞાનપ્રાપ્તિ કે મોક્ષપદની પ્રાપ્તિ માટે ગુરુનો સાથ મેળવવો એ સાધકને માટે પહેલી શરત છે.
ગુરુ પાધેથી શિષ્યને દીક્ષામાં શું સાંપડે છે ?
રહેણી, કરણી અને કથની એ ત્રણ બાબતો.
ગુરુના મુખેથી શિષ્યને આ ત્રણ બાબતો અંગે સાચી શિખામણ મળે છે, લોકવ્યવહારમાં કેવી રીતે રહેવું, સમાજના, સંસારના બંધનોમાં બંધાયા છતાં સૌની સાથે કેવો વ્યવહાર કરવો, અને પોતાના આત્માના કલ્યાણ અર્થે આંતર જગતમાં કેવી રહેણીનું આચરણ કરવું એનો ભેદ ગુરુ જ શિષ્યને સમજાવે છે. એ જ રીતે કરણીમાં લોકહિતનાં કેવાં કેવાં કર્યો કરવાં, કાર્યનો ત્યાગ કરવો, સામાજિક સ્થિતિને સુવ્યવસ્થિત બનાવવા કેવો આચારવિચાર જરૂરી છે એનું માર્ગદર્શન ગુરુ દ્વારા શિષ્યને સાંપડે ત્યારે જ શિષ્યમાં કથની–કહેણીની શક્તિ જાગૃત થાય. લોકહિત સંબંધિત ઉપદેશને માટે રહેણી–કરણીમાંથી મળેલા જીવનદર્શનને શબ્દ દ્વારા ઉપદેશનું રૂપ આપણે જનસમાજ સુધી પહોંચાડવાની શક્તિ ગુરુ દ્વારા જ શિષ્યને સાંપડે છે. અને એથી જ ગુરુનું સ્થાન આજ સુધી સાધનાના ક્ષેત્રમાં અને જ્ઞાનના ક્ષેત્રમાં અજોડ રહ્યું છે. દિન દરવેશે કહ્યું છે :
‘ગુરુ બિન જ્ઞાન ન ઉપજે
ગુરુ બિન મિલે ન ભેદ
ગુરુ બિન સંશય ના મિટે
જય જય શ્રી ગુરુદેવ’
[ગુજરાતી સંતોકી હિંદી વાણી, સં.અંબાશંકર નાગર, પૃ.૧૧]
0 comments
Leave comment