22 - ગુરુ : અગમપંથનો પથદર્શક / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      ગુરુની ખોજ કરીને એમને શરણે એકવાર સાધક પહોંચી જાય તો અવિદ્યારૂપી તાળાં ઊઘડી જાય, જ્ઞાન કબાટ ખૂલી જાય ને અજવાળાં પથરાઈ જાય ચારે કોર. પણ ગુરુ મેળવવા એ દોહ્યલું કામ છે. જ્યારે અંતરમાંથી તીવ્ર આરત જાગે, ગુરુ મેળવવાની ઝંખનામાં રોમ રોમ સળગી ઊઠે ત્યારે એની જરાક ઝાંખી થાય. પણ પછી તો લીલાંલહેર જ હોય ને !

      ગુરુને સાધનામાર્ગનો ભોમિયો કહ્યો છે સંતોએ. અને ગુરુ વિના સાધના કરનારને ‘નુગરો’ કહીને ગાળ ફટકારી છે. ‘નુગરો’ એ તો સંત સમાજમાં ભારેમાં ભારે છેલ્લી કોટિની ગાળ છે.

‘સુગરા હોય તો ભર ભર પીવે,
નુગરા જાય પિયાસા....’
      - એમ કહેતા દાસી જીવણ ગુરુનું મહત્વ સમજાવે છે પોતાના ભજનોમાં આ રીતે
“ગુફામાં બેસી મર સાધે ગોટકા,
પરચા પૂરે ભાવડ પીર થઈને પૂજાય,
દિગંબર થઈને ખેલે દેશમાં
ગુરુ વિના મુક્તિ ન થાય.....
ગુરુની સેવાયે અભેપદ પામીયે....’

      આટઆટલી સાધના છતાં, કદાચ સાધના દ્વારા સિદ્ધિ પણ પ્રાપ્ત કરી લે અને ચમત્કારો પણ કરી શકે પણ એને મુક્તિ તો ગુરુનું શરણ લે ત્યારે જ મળવાની છે. ને ગુરુની સેવાથી જ અભયપદની પ્રાપ્તિ થાય છે. એમ ગુરુની મહત્તા બતાવે છે. વળી ગુરુને શરણે જે સાધક ગયો છે એ કદી પણ નર્કે નહીં જાય એવી ખાત્રી આપે છે.
‘જેણે સતગુરુ સેવ્યા ઈ નર,
નરકે નહીં જાવે...
નહીં જાવે રે નરકે નહીં જાવે,
જેણે ગુરુજીને સેવ્યા નરકે....’

      જેમણે સતગુરુનું શરણ લીધું છે એને પછી બીજું કોઈ દુઃખ સહન કરવાનું ન હોય. એ તો મુક્તિપંથનો યાત્રિક બની જાય, એકવાર ગુરુકૃપાએ દુર્બુદ્ધિનો નાશ થઇ જાય અને સંપૂર્ણ સમર્પણ ભાવથી તન, મન, ધન ગુરુને અર્પણ થઇ જાય પછી સાધકની રખેવાળી કરવાની ફરજ ગુરુએ ઉઠાવવી જ પડે છે.

      પણ એ ગુરુ કેવા હોવા જોઈએ ? દાસી જીવણને મળ્યા છે એવા... પોતાના ગુરુનું વર્ણન કરતાં દાસી જીવણ ગુરુના લક્ષણો દર્શાવે છે. :
“ચૌદ રે વિદ્યાયું મારો સતગુરુ જાણે
કૂડિયું વિદ્યાયુ કેની કામ ન આવે
એવાં રે કામણિયાં ઓલ્યો કાનુડો જાણે......’

      ચૌદ વિદ્યા જાણનારો ગુરુ જેની સંગાથે હોય, જેનો ભોમિયો હોય એની સામે કોઈની કૂડિયું વિદ્યાયું, માયા, મોહ કે અભિમાન ક્યાંથી ટકી શકે ?

      ગુરુનો મહિમા ગાતાં દાસી જીવણે ગુરુને પારસમણી કહ્યા છે. જેના સ્પર્શથી લોઢા સરીખા, મેલા મનવાળા શિષ્ય પણ કંચન સરીખા શુદ્ધ અને કીમતી બની શકે છે. પણ એ પ્રતાપ ગુરુનો, પારસમણીનો.
“ગુરુજી અમારા દીવો રે ગુરુજી અમારા દેવતા રે જી,
ગુરુજી અમારા પારસમણીને રે તોલ...
એવા અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે હો જી....’

      સંસારની મોહિની માયાના આકર્ષણ સામે ટકી શકવાની શક્તિ સાધકને ગુરુ પાસેથી જ પ્રાપ્ત થાય ને લોઢામાંથી કંચન સરખા તેજસ્વી બનવાનું સૌભાગ્ય પણ ગુરુની કૃપા હોય તો જ મળે, નહીંતર તો માનવી કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે સાધનાના ભયંકર શત્રુઓ સામે ક્યાંથી ઝઝૂમી શકે ?

      સદગુરુ જ્યારે સાન બતાવે ત્યારે સાધકની ભક્તિ-ભાવના જાગૃત થઇ જાય, મનના સંશયો ટળી જાય અને ચોરાશીનો ફેરો મટી જાય એવી માન્યતા આપણા સંતોએ ભજનોમાં વ્યક્ત કરી છે. એજ પ્રમાણે દાસી જીવણે પણ પોતાના ભજનોમાં એને પુષ્ટિ આપી છે.

      મકરન્દભાઈએ ‘સુગરા હોય તે ભર ભર પીવે....’ એમ કહીને એક જગ્યાએ લખ્યું છે : ‘મનુષ્યમાં પશુ અને દેવ બંને રહેલા છે. સામાન્ય રીતે મનુષ્ય પોતાના પશુત્વને વશ બની વર્તે છે. અને એનું દેવત્વ અંધારે પોઢી ગયું હોય છે. પણ એકવાર એનું દૈવત જાગી ઊઠે તો એની વાસના તૃષ્ણાની ઝેર-કોથળી જાય. એનું જીવન અણિશુદ્ધ અને અમૃતમય બની જાય. પણ આવા સમૂળ પરિવર્તન માટે તો કોઈ અનુભવી ગારુડી મળવો જોઈ એને ! દાસી જીવણે પોતાના ભજનમાં આ ભાવ ખૂબ સુંદર રીતે વ્યક્ત કર્યો છે. :
‘વખના ભરેલા અમે જંગલનાં જીવડા
અવિધના બાંધ્યા ગુરુ ઊભા છઇએ...’

      ‘મદારી સાપને પકડે છે ત્યારે એનું ઝેર કાઢી લે છે, પણ એ ઝેર અમુક સમય સુધી નથી થતું એને ‘અવિધનાં બાંધ્યા’ કહેવામાં આવે છે. થોડો સમય જતાં વળી પાછું સાપની દાઢમાં ઝેર ઉત્પન્ન થાય છે. આમ ગુરુના સાંનિધ્યમાં જપ, તપ કે સાધન-ભજન કરતાં સાધક પેલા નિર્વિષ થયેલા ‘જંગલનાં જીવ’ની જેમ થોડી વાર નિર્વાસનિક થાય છે પણ આવી એકાંતિક સાધનાની મુદત પૂરી થતાં વળી પાછું હતું તેવું જ વાસનાનું ઝેર તેના શરીર-મનમાં વ્યાપી જાય છે. એટલે જીવણ સાહેબ ગુરુને પ્રાર્થના કરે છે કે એના અંતરને સર્વથા અને સદાકાળ નિર્વિષ કરી દે એવો કોઈ કીમિયો બતાવો. કોઈ અમૃતની એવી સરવાણી વહેતી કરો કે પછી ઝેરનો ભય જ ન રહે. અને ભૂંડા ઘાટ થાય જ નહીં....’ [મકરન્દ દવે, સમાધિ-૨, સ. સુરેશ દલાલ પૃ.૪૫]

      પણ એવો કીમિયો તો ક્યારે થાય કે જ્યારે સદગુરુ પોતાના શિષ્યને સાચે માર્ગે દોરવા, એની અવિદ્યાને, દુર્બુદ્ધિને તોડીને એમાંથી સત નામની, અલખ નામની જ્યોત પ્રગટાવવા શબ્દ કટારી કે શબ્દ બાણનો મારો ચલાવે. વેણના મારથી શિષ્યના અંતરમાં રહેલા મોહ, માયા વગેરે દુશ્મનોને મારી હૃદયને સ્વચ્છ, સ્ફટિક શું નિર્મળ બનાવે, શારડી મૂકીને એના અત:સ્તલમાં ગુપ્ત રીતે વહેતી પ્રેમગંગાને વહેવડાવે , ઉપરના કાળમીંઢ ખડકો તોડીને જ્યારે પ્રેમરસનો, રામરસનો અમીઝરો વહેવા લાગે ત્યારે એ ‘જંગલના જીવ’ના ઝેર ઓગળી જાય. સદંતર નિર્મૂળ બની જાય....

      ગુરુની એ કૃપાદૃષ્ટિ પોતાના પર પડી ત્યારે જે સંવેદનો પોતે અનુભવ્યાં છે એની વાત કરતાં દાસી જીવણ ગાઈ ઊઠ્યા છે. :
‘સતના ગુરુએ ઉરમાં લીધાં,
બહુનામીએ માર્યા બાણ,
વીરસ કરું કેમ મારે વેદનાયું ઘણી,
મારા અંગડામાં પ્રગટ્યા રવિભાણ રે,
ઝાલરી ઝણણણણ વાગી....
મેં જોયું તખત પર જાગી રે,
ઝાલરી ઝણણણણ વાગી....

      રવિસાહેબના એક ભજનમાં એ જ ભાવ આ રીતે વ્યક્ત થયો છે :
‘નામ તો જપી લે નિરવાણ,
સતગુરુએ અમને મારેલ શબદુંના બાણ રે.....
[કચ્છના સંતો અને કવિઓ - ભાગ-૧, દુલેરાય કારાણી. પૃ.૧૫૯]


0 comments


Leave comment