23 - મનુષ્યને સાચો માનવ બનાવનાર ગુરુ / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ
ગુરુની પ્રાપ્તિ શિષ્યના જીવનમાં એક વિશિષ્ટ ઘટના હોય છે. આપણે કોઈપણ સંત-ભક્ત કે સાધક માટે એમ કહી શકીએ કે જો એને સાચા સદગુરુની પ્રાપ્તિ ન થઇ હોત તો આવું વિરલ, વિશિષ્ટ વ્યક્તિત્વ કદાપિ ન પ્રગટાવી શક્યા હોત.
જેવી રીતે કુંભાર માટીનાં વાસણોને પોતાનો મનચાહ્યો આકાર આપે છે, બનાવતી વખતે ઉપર તો ટપલાંનો માર મારે છે પણ અંદર કોમળ હાથનો સહારો આપે છે. એમ જ ગુરુએ પોતાનાં શિષ્યનાં વ્યક્તિત્વનું નિર્માણ કરવાનું હોય છે. કબીરે પોતાની સાખીમાં કહ્યું જ છે ને :
‘ગુરુ કુમ્હાર શીષ કુંભ હૈ,
ગઢી ગઢી કાઢે ખોટ,
અંતર હાથ સહાર દૈ,
બાહર બાહૈ ચોટ.
[કબીર ‘સંતવાણી સંગ્રહ’ ભાગ-૧, (બેલેડિયર પ્રેસ) પૃ.૨]
આ રીતે શિષ્યને પોતાના કઠોર જણાતા શાસન નીચે રાખીને કડક નિયમોનું પાલન કરાવીને, સાથોસાથ પોતાની કૃપા અને ઉદારતા, હૃદયની કોમળ ઋજુતાથી પીઠ પસવારતા જઈને યોગ્ય માર્ગદર્શન આપ્યા કરે છે.
ગુરુ અને શિષ્યનો સંબંધ વિચિત્ર પ્રકારનો છે, એક દૃષ્ટિએ જોઈએ તો પિતા-પુત્રનો સંબંધ હોય એવું લાગે પણ જ્યારે નજીકથી દૃષ્ટિપાત કરીએ ત્યારે ખ્યાલ આવે કે આ સંબંધમાં સંકોચને કશું જ સ્થાન નથી, એટલે મિત્ર અને માર્ગદર્શક જેવો, જેની સામે કશોય સંકોચ વિના કોઈપણ સમસ્યા રજૂ થઇ શકે એવા આત્મીય મિત્ર જેવો સંબંધ પણ ગુરુ-શિષ્ય વચ્ચે જોવા મળે છે.
દાસી જીવણે જ્યારે અત્યંત નિરાશાથી ત્રાસી જઈને ગુરુ ભીમ સાહેબને પોતાની એ અવસ્થાનું બયાન ભજન રચના દ્વારા મોકલાવ્યું છે, ત્યારે ગુરુ-શિષ્ય વચ્ચેનો સંબંધ એટલો બધો નિકટનો અને આત્મીય છે એવું લાગે છે કે જાણે બે મિત્રો વચ્ચે પત્રવ્યવહાર ન ચાલતો હોય ! :
‘કહોને ગુરુજી મારું મનડું ન માને મમતાળુ,
સેજે રે સાયાંજી મારું દિલડું ન માને દુબજાળું...
વારી વારી મનને હું તો વાડલે પૂરું રે ગુરુજી,
પતળેલ જાય પરબારું... મારું મનડું ન માને...’
કોઈપણ જાતના સંકોચ વિના પોતાના મનની મૂંઝવણ એમણે ગુરુ સામે રજૂ કરી દીધી છે. અને એનો ઉકેલ ગુરુજી સિવાય કોણ બતાવી શકે ? ને પ્રભુની કૃપા વિના આવા સમરથ ગુરુની પ્રાપ્તિ જ ક્યાંથી થાય ?
ને પછી તો ગુરુએ સતની કુંચિયું લઇ ભેદભરમના તાળાં ખોલી નાખ્યાં, ભ્રમ ભાંગ્યો ને સાહેબ શું સુરતા લાગી ગઈ, ઝળહળ જ્યોતું જાગી ગઈ, જ્ઞાન ગણોલી લાગતાં સંત સુહાગીની પ્રાપ્તિ થઇ ગઈ એવા રહસ્યાત્મક ગૂઢ સંવેદનો-અનુભવોને વાચા આપતાં દાસી જીવણ ગાઈ ઊઠ્યા :
‘સતગુરુ મળિયા એના સંશય ટળિયા
મારી ભે ભરમણા ભાંગી... જીયો રામ....
જ્ઞાન ગભરુ મેતો કાંઈ ન જાણું,
મારી સૂરતા સાહેબ શું લાગી જીયો રામ.....’
+
‘અષ્ટ કમળ ખટ શિખર ઉપરે,
આપ વસે અવિનાશી,
ગુરુ મિલે તો એ ગમ પાવે,
નીકર જાય નીરાશી....
તમે જાગો કુંવર અવિનાશી...
આ કયા બની હે કાચી....’
+
‘પાંચ તંતરા બન્યા તંબૂરા એને,
ખૂંટા લગાયા તિન ગુણકા,
ગુરૂકી ગમસે ગગન સૂઝે તો,
તાપ બુઝાયા તનકા....
મેં ગભરુ સત ગુરુકા જેણે
લિયા ગગનગઢ વંકા.....’
એમ ગુરુની કૃપાથી જ પરબ્રહ્મની અને અભયપદની પ્રાપ્તિ દાસી જીવણને થઇ છે, એટલે તો પોતાનાં ભજનોમાં ઠેર ઠેર શ્વાસે શ્વાસે ગુરુનું સ્મરણ કરતા રહેવાનો ઉપદેશ આપ્યા જ કરે છે.
ગુરુની સેવા જ સાચી પરબ્રહ્મની ઉપાસના છે. [‘ગુરુની સેવાયે અભેપદ પામીએ....’ જુઓ પરિશિષ્ટ] એમ કહીને દાસી જીવન ગુરુમહિમાનું ગાન કરતાં કેટલાંક દૃષ્ટાંતો પણ આપે છે. શુકદેવજીએ જનક વિદેહીને ગુરુ તરીકે સ્થાપ્યા અને હરિના દીદાર પામ્યા. નારદના ગુરુ તો ઢીમ્મર માછીમાર હતા એણે નારદની ચોરાશી છોડાવી, અંબરિશ રાજાનો શ્રાપ ટાળવા ગુરુએ દસ અવતાર ધારણ કર્યા વગેરે દૃષ્ટાંતો આપતાં જઈને દાસી જીવણ પોતાના ગુરુવિષયક ખ્યાલો વધુ પુષ્ટ કરે છે.
ગુરુનો વાસ તો સર્વ સ્થળે છે, માનવ માત્રામાં ગુરુ વસે છે એમ કહીને દાસી જીવણ ગુરુની નિંદા કરનારાના ચોરાશીના ફેરા કેમ ટળે ? એને તો જમડાનાં માર પડશે એવી ચેતવણી આપે છે.
મૂળ ધર્મનો પાયો નાખનાર ગુરુનું શરણ લઈએ તો મુક્તિ મળે ને એ ગુરુ મળશે ક્યાં ?
‘જીવણ કે’ ગુરુ કાયામાં ગોતજો,
શું કરું વાલાના વખાણ
દશામાં મોલ પર ડેરી બિરાજે,
રાખો ધોળી ધજાનાં પરમાણ રે....
વાલમ તારી વાતુંનાં મને માર્યા મોહનાં બાણ રે....’
માત્ર ગુરુનું માહાત્મ્ય વર્ણવવા માટે પરંપરિત ગુરુભાવના જ નહીં પણ સ્વાનુભૂતિની દૃઢતા અને ગુરુ પ્રત્યેની ગંભીર નિષ્ઠા અહીં કામ કરી ગઈ છે. કબીરજીએ એક જગ્યાએ કહ્યું છે કે ‘સતગુરુ સમાન મારું કોઈ સગું કે આત્મીય વહાલું નથી.’ [કબીર ગ્રંથાવલી સાખી – ૧, પૃ.૧ ‘સતગુરુ સબાંન કો સગા’] એમ દાસી જીવણ માટે પણ બન્યું હોય તો નવાઈ નહીં. પોતાના દરેક દરેક ભજનના નામાચરણની છેલ્લી પંક્તિઓમાં ગુરુનું નામ અને એને શરણે જવાની વાત આલેખાઈ હોય, સતગુરુને વધુમાં વધુ મહત્તા આપવાનો પ્રયાસ કર્યો હોય અને ગુરુમહિમાનો પ્રચાર કરતાં ભજનો પણ રચાયાં હોય ત્યારે એમના જીવનમાં ગુરુનું સ્થાન કેટલું મહત્વપૂર્ણ હશે એ કલ્પી શકાય છે.
દાસી જીવણની ગુરુભાવના આમ તો પરંપરિત સંતવાણીને પગલે પગલે ચાલી આવે છે.
સમગ્ર સંત-ભક્તની ગુરુ પરત્વેની વિભાવના આ જ કક્ષાની છે અને એટલે ગુરુનું નિરૂપણ સતત ભજનસાહિત્યમાં થતું જ આવ્યું છે. આમ ‘ગુરુમહિમા’ એ ભજનનું એક એવું અંગ છે કે જે કોઈપણ ભાવવિશ્વવાળા વિષયવસ્તુવાળા – ભજનમાંથી ઊપસ્યા વગર રહેતું નથી. ભજન રચવા સુધીની સ્થિતિએ પહોંચવા માટે જે કોઈ કારણભૂત છે તે ગુરુ છે એટલે આ એક મજ્જાગત રીતે ભજનનાં ભાવ સાથે જોડાયેલું ઘટક છે જેનો પ્રતિઘોષ સંતવાણીમાંથી સંભળાય છે, અને માનવીને કોઈ પથદર્શકની ખોજ તરફ વાળે છે. આમ ગુરુના પ્રભાવી વ્યક્તિત્વનાં સ્વાનુભવને સ્પર્શાનુભાવની કક્ષાએ અભિવ્યક્તિ મળે છે અને ભજનની એક તાસીર રૂપ કે આંતર ચેતનાને વાચા આપનારું પરિબળ આ ગુરુમહિમા છે એવું પ્રતિફલિત થાય છે.
0 comments
Leave comment