24 - લોકસંતોની વાણીમાં બોધ –ઉપદેશ / ઉપદેશથી ભરી ભરી સંતવાણી / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      મધ્યકાળના સંત-ભક્ત કવિઓએ પોતાના કવન દ્વારા સમસ્ત માનવજાતને ઉપદેશ આપી મોહમાયાના ફંડામાંથી બચાવી લેવા સતત પ્રયત્નો કર્યા છે. ક્યારેક મીઠો ઠપકો આપી, ક્યારેક સ્નેહની શીખ આપી, ક્યારેક ભાવિનો ભય બતાવી તો ક્યારેક કરડાકીભર્યા જુસ્સાથી ચાબખા સમા શબ્દના માર દ્વારા પણ એ સંત-કવિઓએ પોતાની ફરજ બજાવી છે આ જાને કે એમનું લક્ષ્ય કે ધ્યેય છે.

      માનવીનું જીવન એક સમસ્યા છે. એક તરફ વિષયોનું સુખ, સૌંદર્ય અને સામર્થ્ય હોય છે તો બીજી તરફ પરબ્રહ્મ પરમાત્મા તરફ ભક્તિની લાગણી. એક તરફ છે સાંસારિક ઉપભોગોની દુનિયા તો બીજી તરફ છે અધ્યાત્મની અજાયબી. એક તરફ ક્ષણિક ક્ષણભંગુર જીવનનો ભ્રામક આનંદ હોય છે તો બીજી તરફ અનંત ઐશ્વર્યવાણ પરમાત્મા સાથે અનુસંધાન કેળવી સદૈવ પરમાનંદમાં લીન થઇ જવાની ઝંખના... પણ. જ્યાં સુધી માનવી સાચા અને ખોટાં સુખ વચ્ચેનો સૂક્ષ્મ ભેદ જાણી શકતો નથી ત્યાં સુધી આમ તેમ અથડાયા કરે છે, સંસાર સરોવરના કિનારે કિનારે ભટક્યા કરે છે, એ સામે પાર ક્યાંથી પહોંચી શકે ? તૃષ્ણા, મોહ, ભોગવિલાસ અને આસક્તિઓથી મુક્ત થઇ જવું એ સહેલું તો નથી જ. એ તો ગુરુની કૃપા અને સાચા સંતની શિખામણ મળી હોય તો શક્ય બને અને એ કારણે તો આ સંતોએ કઠોર વાસ્તવિક્તાભર્યા માનવજીવનની સાચી ઓળખ કરાવતાં રહીને પરમાત્મા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આધ્યાત્મિક પ્રેમ પ્રગટાવવા સતત મથામણ કર્યા કરી છે. પોતાની વાણી દ્વારા માનવજીવનમાં વ્યાપી રહેલા ઠાઠમાઠ, ગર્વ, પાખંડી આચારો, નાત-જાતનાં વાડા, અત્યાચારો અને દંભ જેવા અનિષ્ટો પ્રત્યે વ્યંગ દર્શાવી, પાપીની અને અધર્મીની અંતે શી દશા થાય છે એ અનેક દૃષ્ટાંતોને આધારે સ્ફૂટ કર્યું છે.

      મોંઘામૂલો આ મનુષ્યદેહ પ્રાપ્ત થયો છે તો ‘ધરમના કામમાં ઢીલ ના કરાવી, વેળા જાશે વહી...’ ‘ઊઠી રામકૃષ્ણ મુખ રટ શું રે નર સૂઈ રિયો છે ?...’ ‘ચેતન ચેતજો હો, આવ્યો તારો મનખા જનમ અવતાર....’ એમ વારંવાર સંનિષ્ઠ ભક્તિનો ઉપદેશ આપનારા આપણા સંતોએ માનવીને વેળાસર ચેતીને પ્રભુભક્તિમાં તલ્લીન થવા સૂચવ્યું છે.


0 comments


Leave comment