25 - સમાજોત્થાનની સૂઝપૂર્વકની કામગીરી : સંતવાણી દ્વારા / ભજનમીમાંસા / ડૉ.નિરંજન રાજ્યગુરુ


      નીતિમત્તાનાં ઊંચા ધોરણો સ્વીકારી માનવજીવનની ઉન્નતિ માટે સંત-કવિઓએ સદવ્યવહારનો ઉપદેશ આપ્યો છે, એમાં સમાજ પ્રત્યેની એમની ભાવના દેખાય છે. જગતનાં દુઃખોથી દુઃખી થતા સંતોએ માનવસહજ ઉપદેશનું આલંબન સ્વીકારી અત્યંત કોમળ અને કરુણાર્દ્ર હૃદયની લાગણીઓથી જનસમાજને જે શીખ આપી છે તેમાં પ્રભુની ભક્તિના અંશો જ તેમને દેખાયા છે. માનવમાત્રમાં પ્રભુનો અંશ જોઈને પરમાત્માની પ્રત્યેની અનન્ય પ્રીતિથી, એમનાં દુઃખો કેમ નાશ પામે, સાચી સમજણ તેનામાં કેમ પ્રગટ થાય, એવી સંવેદના તેઓ હંમેશાં અનુભવતાં રહ્યા છે.

      જો કે ઉપદેશ આપવાની આ વૃત્તિને કેટલાક વિચારકોએ માનવીય અહંના રૂપમાં સ્વીકારી છે. તો શ્રી જ્યોતિન્દ્ર દવે જેવા તત્વચિંતક અને હાસ્યસમ્રાટ ઉપદેશ આપવાની વૃત્તિને હળવી નજરે આલેખતાં : ‘સૌને આપવી ગમે પણ કોઈને લેવી-સ્વીકારવી ન ગમે એવી અનન્ય વસ્તુ.....’ [જ્યોતિન્દ્ર હ. દવે, જ્યોતિન્દ્રના હાસ્યલેખો, સં. બકુલ ત્રિપાઠી. આ-૧, ૧૯૭૬, પૃ.૨૪] તરીકે સ્વીકારી એને માનવસહજ લાગણી તરીકે ઓળખાવે છે. જાણ્યે અજાણ્યે દરેક માનવી સામા મનુષ્યને શિખામણ આપવા માંડતો હોય છે. જાણે શિખામણ આપવી એ માનવમાત્રનો જન્મસિદ્ધ હક્ક હોય તેમ કેટલાક સંતોએ તો ઉપદેશનો ધોધ વહાવી દીધો છે. પરોપકારવૃત્તિના એક પ્રકાર તરીકે અથવા તો આખી દુનિયાનું દુઃખ દૂર કરી આપવાનો ઈજારો પોતે જ ધરાવે છે, એવી અદમ્ય લાલસા અને લાગણીથી પ્રેરાઈને સમાજને કરડા ચાબખા પણ આપણા કેટલાક સંતોએ માર્યા છે. અલબત્ત તેનો આશય તો માનવ કલ્યાણની ભાવના જ છે. પણ એ આશય કેટલો સિદ્ધ થયો હશે એ સંતો જાણે અને પરમાત્મા જાણે.....

     માનવજીવન એક બહુ મોટી સમસ્યા છે... ને એ સમસ્યાને હલ કરવા આ સંત-કવિઓ માનવજાતને ઉપદેશ આપવાની વૃત્તિના ક્ષેત્રમાંથી બાકાત રહી શક્યા નથી એમાં આશ્ચર્ય જેવું કશું નથી. અનેક રૂપકો, પ્રતીકો, દાખલા દલીલો અને તર્કો સાથે એમણે જીવન અને જગતની અનિશ્ચિતતા અને ક્ષણભંગુરતા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.

      શીલ, સંયમ, સદાચાર જેવા ગુણોનો વિકાસ સાધવા નમ્ર અપીલ કરી છે, તો ઊંઘમાંથી ઝટપટ જાગી, અજ્ઞાનતા અંધારાંનો નાશ કરી, પરબ્રહ્મના પ્રેમતત્વરૂપી પ્રકાશનો ફેલાવો કરવાં જે શિખામણ આપી છે, તેમાં તીવ્ર કટાક્ષ અને કડવી વાણીનો પણ ઉપયોગ ક્યારેક જરૂર કર્યો છે. સમાજનાં દુષણોને ઉઘાડા પાડવાની એમની વૃત્તિ માનવજાતને વૈરાગ્ય અને ભક્તિ તરફ પ્રેરણા આપવાથી વધારે બીજું કશું ધ્યેય ધરાવતી નહોતી એમ કહી શકાય.

      ભજનસાહિત્યમાં મળતાં ઉપદેશાત્મક ભજનોને ત્રણ વર્ગોમાં વિભાજિત કરી શકાય. (૧) પહેલા વિભાગમાં પોતાના આત્માને ઉદ્દેશીને જે ઉપદેશ અપાયો છે તેવા આત્મલક્ષી ભજનો. (૨) કોઈ ચોક્કસ વ્યક્તિને સંબોધીને પ્રત્યક્ષ સંબોધન દ્વારા ઉપદેશ આપતાં ભજનો અને (૩) સમગ્ર માનવજાતને ઉદ્દેશીને પરોક્ષ રીતે વિવિધ ઉલેખ્ખો-પ્રતીકો દ્વારા શિખામણ આપતાં ભજનો.

      માનવીના જીવનમાં આમ તો જો કદીયે મુશ્કેલી, તકલીફ કે દુઃખ ન આવે કે એ વેદનાઓનું સ્વરૂપ સ્પષ્ટ રીતે પોતાની સામે ખડું ન થાય તો કદીયે પોતે અધ્યાત્મ તરફ દોરાતો નથી, ખેંચાતો નથી એવું સંતોએ અનુભવ્યું છે, એટલે જીવનમાં આવતી વિવિધ કટુ સ્થિતિઓનું આલેખન કરીને એને સાચી પરિસ્થિતિનું ભાન કરાવવા પોતાના ભજનોમાં કાયાની ક્ષણભંગુરતા-વૃદ્ધાવસ્થાની વિકટ વેદનાઓ, સગાં-સંબંધીઓનો સ્વાર્થ અને સાંસારિક દુઃખોનું વર્ણન અવારનવાર કર્યું છે.


0 comments


Leave comment