52 - લ્યો, પરોવી આંખ આ કાગળ ઉકેલો / રમણીક સોમેશ્વર
લ્યો, પરોવી આંખ આ કાગળ ઉકેલો,
કે પછી આકાશનાં વાદળ ઉકેલો.
આ હથેળીને હવે મૂકો ઘડીભર
આ હથેળીથી હવે આગળ ઉકેલો.
આ હતો, છું, હોઈશની સંભાવનાઓ;
શોધવા, ચાલો હવે પળ પળ ઉકેલો.
સૂર્ય, વાદળ, રાત, ભીની આંખ, ફૂલો,
એ બધું ઉકેલવા ઝાકળ ઉકેલો.
ક્યારના શબ્દો બધા છટકી ગયા છે,
ને છતાં સામે ધર્યો કાગળ, ઉકેલો.
0 comments
Leave comment