54 - કાળાં ડિબાંગ વાદળ, જળના શીકર ઊડે છે, ચાલો, છલાંગ મારો ! / રમણીક સોમેશ્વર


કાળાં ડિબાંગ વાદળ, જળના શીકર ઊડે છે, ચાલો, છલાંગ મારો !
ભીનાશ, મત્ત વાયુ, ઊઘડે-મીંચાય આંખો, ચાલો, છલાંગ મારો !

ભીનાં બધાં જ વસ્ત્રો, ભીનો સમય ઉપાડી, વહેતો રહે છે રેલો !
લપસે, કૂદે, પલળતા, ઘટના-સમય-દિશાઓ,ચાલો, છલાંગ મારો !

ઝરણાં છલાંગ મારે, હરણાં છલાંગ મારે, તરણાં છલાંગ મારે !
રોમાંચ સભર માટી, તોડી બધી સપાટી, ચાલો, છલાંગ મારો !

ઝલમલ બધાં જ દ્રશ્યો જળના ફલક ઉપર છે, જળની સિતાર ઝણકે !
ઊતરી ગયું છે ભીતર, જળનું અઠંગ ટીપું, ચાલો, છલાંગ મારો !

જળના ત્રિતાલ સાથે, આ આંગણું કૂદે છે, ભીંજાય બહાર પંખી,
કૂદે છે એક સસલું, ભીતર-બહાર-વચ્ચે, ચાલો, છલાંગ મારો !

વાયુનો હય પલાણી, જળનાં સજાવી વસ્ત્રો, ચાલો, છલાંગ મારો !
સ્થળની દીવાલ કૂદી, જળના મુકામ વચ્ચે, ચાલો, છલાંગ મારો !0 comments


Leave comment