55 - સ્હેજ રેતી ભીંજવીને થાય દરિયો ચાલતો / રમણીક સોમેશ્વર
સ્હેજ રેતી ભીંજવીને થાય દરિયો ચાલતો,
માછલું તડપે, કિનારો સ્તબ્ધ થઈ જોયા કરે !
ધૂળની ડમરી સમું કાંઠે કશું ઊડતું રહે,
ને સમયના કણ હયાતીને સતત ખોયા કરે !
ફીણ ઊમટ્યાં’તાં કિનારે તે ઉપર કવિતા લખી,
કોણ નાજુક આંગળીને રેતમાં બોળ્યા કરે ?
ફૂંક મારીને હવા પગલાં તપાસે ક્યારની,
કોણ આ રસ્તે ગયું, કોના સગડ શોધ્યા કરે !
સ્હેજમાં ભીંજાયલી રેતી મહીં પગ સેરવી,
કોણ રેતીના અતલ ઊંડાણને ડહોળ્યા કરે ?
0 comments
Leave comment