57 - સસલું છે, એ તો દોડે પણ, શું મારામાં શું તારામાં / રમણીક સોમેશ્વર


સસલું છે, એ તો દોડે પણ, શું મારામાં શું તારામાં,
પંખી છે, ચાંચ ઝબોળે પણ, શું મારામાં શું તારામાં.

ફૂલોનું તો બસ એવું કે મોસમ આવ્યે મ્હોરી ઊઠે,
મોસમ છે, એ તો મ્હોરે પણ, શું મારામાં શું તારામાં.

શું દરિયાનો કે પહાડોનો આ પવન હંમેશા ચંચળ છે,
ક્યારેક ચડે હિલ્લોળે પણ, શું મારામાં શું તારામાં.

કાંઠે ઊભેલાં વૃક્ષોમાં પણ નદિયું વહેતી હોય કદી,
નદિયું છે, એ કલશોરે પણ, શું મારામાં શું તારામાં.

સ્મરણો તો નિત્ય પ્રવાસી છે, આવે ક્યારે કહેવાય નહિ,
એ ડેરા-તંબૂ ખોડે પણ, શું મારામાં શું તારામાં.0 comments


Leave comment