59 - મીટ માંડીને વાટ જોવાનું / રમણીક સોમેશ્વર


મીટ માંડીને વાટ જોવાનું
તુંય શીખી લે જાત ખોવાનું.

કોઈ રસ્તો જ હોય છે એવો
ભાન હોતું નથી જ્યાં હોવાનું.

ચાંચમાં ચાંચ પરોવી બેઠાં
હોય શું પૂછવાનું, કહેવાનું !

થોડો ઉચાટ અજંપો થોડો
હોય, એવું તો હવે રહેવાનું.

વાત કરવી જ હોય પાણીની
તો નદી જેમ બસ વહેવાનું.0 comments


Leave comment