60 - થોડા પ્રમાદ સાથે, થોડા વિષાદ સાથે / રમણીક સોમેશ્વર


થોડા પ્રમાદ સાથે, થોડા વિષાદ સાથે,
ચાલ્યાં ચરણ અચાનક એ ભીની યાદ સાથે.

ઝરમરતું આભ ઝીલી, બાહર-ભીતર પલળતા,
આ દ્વાર ખટખટાવ્યાં, એક ધીમા સાદ સાથે.

વરસાદમાં ઝબોળી, બે લીલી-સૂકી વાતો,
થોડો સમય વિતાવ્યો, ગમતા વિવાદ સાથે.

રૂંવે રૂંવે પમરતા ધીમા ઉજાસ વચ્ચે,
સંકોરતા સ્મરણને દીવાની વાટ સાથે.

થોડી ક્ષણો ઉપાડી, શ્વાસોમાં સાચવીને,
ધીમે કદમ ઉપાડ્યાં, થોડા ઉચાટ સાથે.0 comments


Leave comment