61 - સાંજ, આછો ઉજાસ, ધારી લે / રમણીક સોમેશ્વર
સાંજ, આછો ઉજાસ, ધારી લે
કશુંક આસપાસ, ધારી લે
થોડી ગમતી ક્ષણો અહીં પાસે
મ્હેંકતા શ્વાસ શ્વાસ, ધારી લે
દૂરની ટેકરી મહીં ડૂબ્યો
સૂર્યનો ક્યાં પ્રવાસ ? ધારી લે
આ નદીમાં ચરણ ઝબોળીને
દોસ્ત, કાંઠાની પ્યાસ, ધારી લે
રાતના આ અતાગ પાલવમાં
ક્યાંક ફૂટે પલાશ, ધારી લે.
0 comments
Leave comment