62 - છાતી પર આ લાગે કેવો ભાર, સજનવા, સમજ પડે ના / રમણીક સોમેશ્વર


છાતી પર આ લાગે કેવો ભાર, સજનવા, સમજ પડે ના,
મનમાં છાયો કેવો આ ઓથાર, સજનવા, સમજ પડે ના !

ખટકે છે કંઈ, બટકે છે કંઈ, અટકે છે કંઈ શ્વાસ વચાળે
અંદર અંદર કોણ કરે પોકાર, સજનવા, સમજ પડે ના !

સાત સમંદર થીજી ગયા શું ! થીજી ગયા શું સાવ અચાનક !
નથી જણાતો કેમ કશો સંચાર, સજનવા, સમજ પડે ના !

દશે દિશાઓ બધિર-મૂંગી, સ્તબ્ધ પાળિયા જેવી ઊભી,
હવે લોહીના લયમાં ક્યાં ધબકાર, સજનવા, સમજ પડે ના !

વીખરાયા છે, વીખરાયા છે, સૂર અને લય-તાલ બધાયે,
કેમ કરી મેળવવા તારેતાર, સજનવા, સમજ પડે ના !0 comments


Leave comment