65 - ઝાડ ઉપરથી સાવ અમસ્તું પાન ખરે ને જોયા કરવું / રમણીક સોમેશ્વર


ઝાડ ઉપરથી સાવ અમસ્તું પાન ખરે ને જોયા કરવું,
જોવાનું પણ જરા જેટલું ભાન ખરે ને જોયા કરવું.

ફ્રેમ મઢેલી કોઈ છબિમાં ચીતરેલા પંખીનું હોવું,
છાતીના પિંજરમાં એ તોફાન કરે ને જોયા કરવું.

ભર્યું-ભાદર્યું ઘર હોવાનો વહેમ લઈને દિવસ ઊગે,
ને આંગણમાં ભૂખ્યું-ભટક્યું શ્વાન ફરે ને જોયા કરવું.

રોજ અકસ્માતો કે ઘટનાઓ વચ્ચે ચગદાતા રહેવું,
રોજ હયાતી પહેલા-છેલ્લા શ્વાસ ભરે ને જોયા કરવું.

ભીંત ઉપરથી ખરતો ચૂનો સ્મરણો સાથે પડતું મૂકે,
બાવળનું ઠુંઠું સાંભળવા કાન ધરે ને જોયા કરવું.

ઇચ્છાઓ આકાશી-વાદળ જેમ ઘણા આકાર ધરે છે,
ભીતરમાં ભેદો તો બસ પોલાણ તરે ને જોયા કરવું.0 comments


Leave comment