66 - ઘટના પસાર થાય ને જોયા કરો તમે / રમણીક સોમેશ્વર
ઘટના પસાર થાય ને જોયા કરો તમે
અફવા બધે ફેલાય ને જોયા કરો તમે
પગ ઊંચકો ને છતાં ડગલું ભરો નહીં
રસ્તા પસાર થાય ને જોયા કરો તમે
છાતીમાં છાંયડા ઉછેરવાના ઓરતા
રણ આંખમાં ડોકાય ને જોયા કરો તમે
આખું તમારું ગામ, ગલી, ઘર અને બધું
નકશામાં ફેરવાય ને જોયા કરો તમે
આ હાથ-પગ-ચ્હેરો બરફ સમા ઠરી જઈ
ધીમે પીગળતા જાય ને જોયા કરો તમે
0 comments
Leave comment