67 - કંઠમાં રણ હોય ને દરિયા નજર સામે મળે / રમણીક સોમેશ્વર
કંઠમાં રણ હોય ને દરિયા નજર સામે મળે,
તે પછી હે મિત્ર મારા, શું બળે ? શું ખળભળે ?
તું મને ઉલેચ કે ઉલેચ રેતીની નદી,
કોઈ વીતેલી સદી અકબંધ ત્યાંથી નીકળે.
હોય સૂરજ કે બરફનું ચોસલું સરખું જ છે,
એક ડૂબે, એક બસ, ધીમે રહીને ઓગળે.
એક આદત જેમ સૌ હોનારતો કોઠે પડી,
રોજ છાપું વાંચવા લોકો બધાં ટોળે વળે !
કોઈ વરસાદી ક્ષણે લહેરાય લીલું ઘાસ ને
આ નગરના લોક અહીંથી બૂટ પહેરી નીકળે !
0 comments
Leave comment