68 - આ તરફ છે ૐ ને પેલી તરફ છે બોમ શું થાશે હવે ? / રમણીક સોમેશ્વર
આ તરફ છે ૐ ને પેલી તરફ છે બોમ શું થાશે હવે ?
અહીં ગગનવ્યાપી ઋચાઓ ત્યાં ધડાકા ધોમ, શું થાશે હવે ?
ટાઢથી થીજી રહ્યું છે આ શકોરું સૂર્યનું આકાશમાં
આ રઝળતો ને અગન ઝરતો રહ્યો છે સોમ, શું થાશે હવે ?
પંખી-હીણું કોઈ પંખી કંઠ વચ્ચે આજ ટહુકાઓ ભૂલ્યું,
ને સતત એને સતત તાકી રહ્યું છે વ્યોમ, શું થાશે હવે ?
ટોપ નીચે એમ ચગદાયું તણખલું સાવ કૂણા ઘાસનું
ધ્રૂજવા લાગ્યા દશે દિક્પાલ રોમે રોમ, શું થાશે હવે ?
0 comments
Leave comment