73 - એક હોનારત સતત દોડે સડકની ધાર પર / રમણીક સોમેશ્વર
એક હોનારત સતત દોડે સડકની ધાર પર,
આ નગર અહીંયાં વળ્યું ટોળે સડકની ધાર પર.
સાત અશ્વો સૂર્યના હાંફ્યા કરે ઊભા રહી,
ને દિશાઓ ચાંદની ઢોળે સડકની ધાર પર.
જીવવા મથતું અળસિયું શ્વાસ લંબાવ્યા કરે,
છાતીએ ખીલો કોઈ ખોડે સડકની ધાર પર.
એક અફવા જેમ જે આવી અને ચાલ્યા જશે,
તે મુસાફર પોસ્ટરો ચોડે સડકની ધાર પર.
થાંભલાઓ હાથમાં દીવા લઈ જોયા કરે,
કોણ મહેલો કાચના તોડે સડકની ધાર પર.
0 comments
Leave comment