74 - બારીની બંને બાજુ આકાશ રહે છે લહેરાતું / રમણીક સોમેશ્વર


બારીની બંને બાજુ આકાશ રહે છે લહેરાતું,
ને બારી જેવો સજ્જડ હું સાવ વચોવચ ઊભો છું !

ના પરસેવો, ના ધ્રુજારી, ના ભીનાભીના થાવાનું,
કોરીકટ ઋતુઓ સંગાથે હું સાવ વચોવચ ઊભો છું !

હું મને જોઉં છુ મારી આ બાજુ ને પેલી બાજુ પણ
આ મને શોધવાના રસ્તે હું સાવ વચોવચ ઊભો છું !

થોડી ઇચ્છાઓ પાસેની ખીંટી પર લટકાવી દઈ,
એને આધારે ટીંગાતો હું સાવ વચોવચ ઊભો છું !

એક ઝપાટો તોફાની વાયુનો આવી અફળાશે,
એવી અફવાના આધારે હું સાવ વચોવચ ઊભો છું !0 comments


Leave comment