75 - કોઈ કારણ નથી, કોઈ રસ્તો નથી, ને છતાં છે બધું / રમણીક સોમેશ્વર
કોઈ કારણ નથી, કોઈ રસ્તો નથી, ને છતાં છે બધું,
ના નથી, હું નથી, હું અમસ્તો નથી, ને છતાં છે બધું !
કોઈ આકાર ઘેરી વળે છે સતત એક છાયા રૂપે,
આમ અદ્રશ્ય છે, તોય ખસતો નથી, ને છતાં છે બધું !
છે બધું ઘોર ગંભીર ઘેઘૂર ને છે ઘટાટોપ પણ,
એક વરસાદ છે, જે વરસતો નથી ને છતાં છે બધું !
મખમલી મખમલી રણઝણે-મઘમઘે ચોતરફની હવા
કંપ ફેલાય છે પણ પરસતો નથી ને છતાં છે બધું !
ને છતાં છે બધું ને છતાં છે બધું ને છતાં છે બધું
કોઈ કારણ નથી, કોઈ રસ્તો નથી ને છતાં છે બધું !
0 comments
Leave comment