76 - તસવીરમાં બેઠેલ જણાયા છે આમ તો / રમણીક સોમેશ્વર
તસવીરમાં બેઠેલ જણાયા છે આમ તો,
એ શખ્સ ઝાંખુંપાંખું કળાયા છે આમ તો.
વાતાવરણને સૂંઘતા, ભરતા પવનને બાથ,
પોતાની જાતથી જ પરાયા છે આમ તો.
એ ઝાડ જેમ ક્યાંથી સ્વયં પાંગરી શકે,
જે મૂળથી જ છેક ખવાયા છે આમ તો.
મોઢું ભલે ને બહારથી લાગે રતુંબડું,
પોતે જ પાન જેમ ચવાયા છે આમ તો.
ઘટનાના ઘોડાપૂરની સામે ઝઝૂમતા
તરવાને નામે શખ્સ તણાયા છે આમ તો.
0 comments
Leave comment