77 - દુષ્કાળ : એક ચિત્ર / રમણીક સોમેશ્વર


આંખમાં ઝાંઝવા દ્રશ્ય રૂપે મળે
ને તરસનું તમસ કંઠમાં વિસ્તરે

પાંસળીમાં પવન વ્યર્થ ફેરા ફરે
સૂસવાટા સભર ડૂસકું પાંગરે

ખાલી આકાશમાં સૂર્ય રઝળ્યા કરે
શુષ્ક પર્ણો સમી, શૂન્યતા બસ, ખરે

હાંફતું હાંફતું ધણ ક્ષણોનું ઊભું
ને હવામાં ઘણે દૂર તરણું તરે

વસ્ત્ર આ દેહનું જીર્ણ થાતું રહ્યું
આશના તાંતણે કોઈ બખિયા ભરે0 comments


Leave comment