84 - મેં લખવા ધારેલા કાગળ નીચે / રમણીક સોમેશ્વર


મેં લખવા ધારેલા કાગળ નીચે
મારી સહી કરીને...
વચ્ચેનો અવકાશ આંખમાં ઝૂલે,
કશુંક ધીમે ધીમે ખૂલે,
અક્ષર અગડંબગડં
તરડાતા મરડાતા અક્ષર –
ખરડાતા-ડોકાતા
ત્યાં તો ડૂલ !

અક્ષરની ટેકણ લાકડીએ
ડગલું માંડી બેઠાં,
એને ભૂલ કહો તો ભૂલ;
અક્ષર
ખર ખર ખર ખર ડૂલ...
સામે
લંબાતો લંબાતો કાગળ
વચ્ચેનો અવકાશ લઈને ઝૂલે,
કશુંક ધીમે ધીમે ખૂલે,
મેં લખવા ધારેલો કાગળ
ઝળહળ ઝળહળ ઝૂલે....0 comments


Leave comment