88 - આંધળોપાડોની રમતમાં / રમણીક સોમેશ્વર


આંધળોપાડોની રમતમાં
ભેરુ તો બધા છુપાઈ ગયા છે
અને હું
આંખો મીંચીને
દાવ દીધા જ કરું છું.... દીધા જ કરું છું

ભમ્મર અંધારામાં નીકળ્યો છું શોધમાં
ભૂલી ગયો છું,
મને ?
ભેરુને ?
કોણ ભેરુ ? ક્યાં છે ભેરુ ?

રસ્તે જતાં આવે છે
હવડ વાવ
કદાચ હું આ વાવની હવડ વાસને શોધું છું.
એક પછી એક પગથિયાં
ઊતરતો જાઉં છું
પંખીના ફરફરતાં પીછાંમાં સંભળાય છે
ઝાંઝરનો અવાજ...
ભીતર કોતરો.
એક પછી એક કોતર
ગુહામાં બેઠો છે ભોરીંગ.
માથે મણિ
ઝબૂક...ઝબૂક...
ઝબૂક અજવાળે શોધ ચાલે છે.
તળિયાના જળને સ્પર્શું ન સ્પર્શું
ત્યાં રસ્તો ફંટાય છે.
રસ્તે જતાં આવે છે ખુલ્લું મેદાન
ચાલ્યા કરું છું.....

ગોઠણભેર રેતીમાં ચાલતો રહું છું
અને
વંટોળ મને આલિંગવા ધસતા આવે છે.
રેતીના ઢેર મારી આસપાસ,
હવે
હું રેતીનો ટીંબો
શોધી રહ્યા મને મિત્રો !
પણ મારે તો દાવ દેવાનો છે ....!

ટેકરીઓની ધારે
તગતગતા અજવાળે
કે
ખીણનાં વણબોટ્યા અંધારે,
સાતમે પાતાળ
કે આઠમે આકાશ
ભટક્યા કરું છું શોધમાં.

ભેરુ તો સૌ છુપાઈ ગયા છે
અને
આંધળોપાડોની રમતમાં
હું દાવ દીધા જ કરું છું... દીધા જ કરું છું...0 comments


Leave comment