89 - ક્રીડા / રમણીક સોમેશ્વર


અડધી રાતે
ચાંદનીએ
હળવે હાથે મારી આંખો દબાવી
પૂછ્યું,
‘ધાર તો હું કોણ છું ?’
‘લે ! તને ન ઓળખું !’

ચાંદનીનો હાથ પકડી
કૂદ્યો હું તો બારીમાંથી બહાર
ખુલ્લા મેદાનમાં,
ચાંદનીમાં નહાવા પડ્યો.
ખાબોચિયામાં દેડકી
ગળું ફુલાવી ગાતી હતી
પણ એને ગણકારે છે કોણ !

અચાનક
પૂર્વાકાશમાં
અમારી આ ક્રીડાને
ઝબૂક
ઝબૂક
જોઈ રહેલા
શુક્રના તારા પર
ચાંદનીની નજર ગઈ
અને
એણે મને હડસેલો મારીને
બારીમાંથી ધકેલ્યો
પાછો ઘરમાં.0 comments


Leave comment