93 - દોસ્તો / રમણીક સોમેશ્વર


દોસ્તો,
કઈ રીતે લખું હવે કવિતા !

એક દરિયો હતો
જેને વિશે કશી વાત થઈ શકે
એ તો હવે સુકાવા લાગ્યો છે
અંદર ને અંદર
ઊછળે એના લોઢ
તો કશીક વાત થઈ શકે.

મિત્રો,
જોઈ હતી કદી,
એક નદી.
એણે બદલ્યા છે વહેણ,
નહિ સાંધો નહીં રેણ,
કેવી રીતે લાવું હવે લય !

આકાશનો આ ચાંદો
પણ હવે માંદો
નથી પહોંચતું એનું તેજ
મારા સુધી,
જે ઉશ્કેરી શકે મને.

ભેજ લાગી ગયો છે શબ્દોને
ને હું શોધું છું
એક અડાયું
તાપણું કરવા.0 comments


Leave comment