94 - પાણી અને વાણી / રમણીક સોમેશ્વર


પાણી અને વાણી બાંધ્યાં બંધાય નહીં
ડૂબકી મરાય
પાછું કાંઠે અવાય
ક્યારેક ગૂંગળાઈ જવાય
થાય
એવું બધું થાય

પાણી અને વાણીનાં
અતલ ઊંડાણ
છતાં
છબછબિયાં થાય
છાલક ઉડાડાય
છાલક ઝિલાય
તરે એમાં કાગળનાં વહાણ
કે
કાગળમાં વહે એનાં પૂર
કદી ભરપૂર
કદી ચકચૂર
કદી વહે ઘેઘૂર
ક્યારેક લહલહતાં ખેતર તો –
કદી ઝંઝાવાતી પૂર

વહે કદી વ્યર્થ
ન કશો અર્થ
છતાં એનાં સ્તવન
એના નામે હવન

પાણી એટલે પાણી
વાણી એટલે વાણી
ખાબોચિયું ભરાય
તળાવમાં બંધાય
નદીમાં વહે
ઘૂઘવે સાગરમાં
કે ગ્લાસમાં પિવાય
જિવાય જેને આધારે
કે
જેનો આશરો લઈ
મરાય
તરાય
ડૂબાય
લેવાય અંજલિમાં

તરવું પડે ભાઈ સામેપૂર
એ તો સદા ભરપૂર
ઝીલો જળબંબાકાર
ઝીલો એને ધોધમાર

નથી એનો કોઈ ભરોસો
છબછબિયાં કરવા ધારો ને –
તાણી જાય
ડૂબકી મારો
તોય તળિયે ન પહોંચાડે
અરે,
તળિયું જ ન હોય એને
તરફડિયાં મારતાં અચાનક
અનુભવો રોમાંચ
બહાર નીકળો
તો ડૂબકી મારવાનું મન થાય
ડૂબકી મારો તો
અનુભવો ગૂંગળામણ.

પાણી અને વાણીનો
પામો નહીં પાર
વહો ધોધમાર
કહો ધોધમાર.0 comments


Leave comment