95 - હવે તો ચાંદલિયો પણ ફેણ ઉછાળે / રમણીક સોમેશ્વર
હવે તો ચાંદલિયો પણ ફેણ ઉછાળે
પારિજાતનાં
ખરતાં પુષ્પો સાથે
હમણાં રમતો’તો
ત્યાં
થયું અચાનક એવું તે શું ?
તૂટી પડ્યો મારા પર
સ્પર્શ્યો
ફેલાયો
રેલાયો
ઊછળ્યાં લોઢ લોહીમાં...
ફૂંકાયા વંટોળ
આભલું ચક્કર ચક્કર...
આ એ જ ચંદ્ર,
જે
શરદપૂનમની રાતે
થીજી ગયો હતો મારામાં.
મેંય સાચવ્યો
જીવ સરીખો
થયું અચાનક એવું તે શું
ચાંદલિયો પણ ફેણ ઉછાળે !
0 comments
Leave comment