100 - હદપારી / રમણીક સોમેશ્વર


હું અચાનક મારામાંથી બહાર નીકળી ગયો.
ખરેખર હું બહાર નીકળ્યો કે મને
ધક્કો મારીને કાઢી મૂકવામાં આવ્યો ?

દ્રોહ ! દ્રોહ તમે કોને કહેશો ? નદીનું પાણી
કાંઠા તોડી બહાર નીકળે તો એને દ્રોહ કહેવાય.
મેં તો બળવો પોકાર્યો હતો મારી સામે.
ભીતરની એક એક દીવાલને ખખડાવી જોઈ.
ચાંદાને સ્થાને સૂરજ અને સૂરજને સ્થાને ચંદ્ર
મૂકી જોયો. ‘ઘોડાને તબેલામાં બાંધ્યા સારા’
એવી ડહાપણભરી ઉક્તિની સાબિતી માગી.
સ્પર્શ ફણીધર નાગ છે એમ કોઈ કહેતું હતું .
મદારીની અદાથી એને વશ કરવાની તૈયારી બતાવી.
અથડામણ, ગૂંગળામણ, મથામણ જેવા
શબ્દોના હાથમાં બધી જ સત્તા મૂકી દીધી.

અને બળવો તો મારી વિરુદ્ધ પણ થયો.
હું કૂદકો મારીને નીકળ્યો મારી બહાર કે
પછી મને હદપાર કરવામાં આવ્યો !

કોઈ આગંતુક-અજાણી વ્યક્તિ નગરમાં ફરે.
જુએ ટગર ટગર બધુંયે. કોટ-કાંગરા તપાસે.
આંખ જુઓ તો એમાં અજાણપણું આંજેલું લાગે.
હું એમ ફરતો રહ્યો મારામાં.
નગરમાં ફરું છતાં નાગરિક નહીં, કોઈને
કશા કામનો નહીં. ક્યાંય કશી એકરૂપતા નહીં,
છુટ્ટો છુટ્ટો.0 comments


Leave comment