12 - સોળમી મધરાતે / હરિશ્ચન્દ્ર જોશી
સોળ વરસની અધ-મધરાતે સપનું એક વીંઝાણું,
ઊઠ્યા અંગે અંગ સોળ
ઊઠ્યા અંગે અંગ સોળ
ઝાકળમાં ઓગળી થોડાં ઓસડ, ઝાઝા કોડ,
સવારે કરતી હું અંધોળ....
રસ્તા ઉપર હું ચાલું કે રસ્તો મારી ઉપર
મુઠ્ઠીમાં પકડી છે મારી છટકી જાત ઉંમર
હલકડોલક જીવને મારા હવા ઝીલે છે
ને ચીંધે છે ફળિયાની ભાગોળ...
અંદર અંદર ઘૂઘવતું ઊડે પારેવું ભોળું
હળવી હળવી લાગણીઓને હથેળીઓમાં તોળું
સૂરજ ઊગે આસપાસમાં, ઝબકે છે કંઈ શ્વાસ શ્વાસમાં
સગપણ રાતાંચોળ...
ઘર પછવાડે ચંપાને ફૂલ ધીમું ધીમું ખૂલે
ટગર ડાળ પર બેસીને મન અમથું અમથું ઝૂલે
ઝૂલતાં ઝૂલતાં સાંજ ઢળે ને ભીની ભીની ગંધ ભળે
ને થઈ જાતી તરબોળ...
0 comments
Leave comment