18 - અડધે મારગ / હરિશ્ચન્દ્ર જોશી


સાથ ચાલતાં અરે ! તમે તો ખૂટી ગયાં
અડધે મારગ સાવ અચાનક છૂટી ગયાં...

ધૂળધોયા ન ઢગલો ધૂળમાં મળતો એક જ કણ
એવી રીતે તમે મળ્યાં ને જીવી જાણી ક્ષણ
રોજ મ્હેકતા શ્વાસોમાં, પગલાંઓમાં હું ફરતો
હોઠ જરી જ્યાં ખૂલે ત્યાં કલરવ હું એમાં ભરતો
પીંછા જેવી યાદ ખેરવી ઊડી ગયાં...

ફળિયું, ઊંબર, ભીંત, બારણું, ઘર આખ્ખું નંદવાણું
તમે ગયા તે દિવસ અને આ થીજી ગયેલું વ્હાણું
પાંપણનાં હલ્લેસાં લઈ આંસુનો દરિયો તરતો
વિસ્તરતું પોલાણ ભીતરનું ખાલીપાથી ભરતો

રેતી પર ચીતરીને ફૂલો ભૂંસી ગયાં...


0 comments


Leave comment