19 - ખુશાલી / હરિશ્ચન્દ્ર જોશી
હરિ ભીંજવવા ગઈ’તી જોને
લઈને ખોબો ખાલી...
અવઢવ હતી, વરસ કહેશે તો ?
વાદળ કેમ થવાશે ?
નખશિખ ભીંજવતું ચોમાસું
મુંથી કેમ લવાશે ?
ઊભી’તી ચપટીક આંસુની
ઝારી આંખે ઝાલી...
ખાલીપાની ભોં ખોતરતી
‘હરિ’, ‘હરિ’ એમ વદી
હરિ આલિંગ્યે હું ના હું રહી
ઘૂઘવતી થઈ નદી
હરિ તરે, ડૂબકી મારે
હું ખળખળ થાઉં ખુશાલી...
0 comments
Leave comment