20 - મીરાં નામની નદી / હરિશ્ચન્દ્ર જોશી
રણ આખ્ખો મેવાડ
સુકાતાં મીરાં નામની નદી...
રાણાજીએ ખડ્ગધાર પર લાગણીઓને તોળી
ખળખળ વહેતાં બાઈ મીરાંમાં આંગળીય ના બોળી
રહી ગઈ કેવળ ત્યાં રેખા
જ્યાં હતી એક દિ’ નદી...
રાણાનો મેવાડ નિમાણો મીરાં મીરાં પુકારે
શાલીગ્રામની પાસે મીરાં ભવની ખેપ ઉતારે
આંખોમાં સૌ વીરડા ગાળે
મળી જાય જો નદી....
કોટ, કાંગરા, ગોખ, ઝરૂખા, ખાવા ધાતી મેડી
પથ્થર વચ્ચે રાણાજીને જડે ન કોઈ કેડી
ખર ખર ખરતી ભળે સદી
જ્યાં વહે રેતની નદી...
0 comments
Leave comment